Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

આત્મનિર્ભર ભારતથી શકય નથી કોરોના રસીકરણ ફાઇઝર, મોડર્ના, જોન્સનના સંપર્કમાં છે સરકારઃ પણ તે વાત કરવા માટે પણ નથી તૈયાર

ત્રણેય કંપનીઓએ ઇશારો કર્યો છે કે તેમની પાસે ભારતને આપવા રસી નથી

નવી દિલ્હી, તા.૧૪: ભારતમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે લોકોમાં રસી મુકાવવાની હોડ મચી છે. જો કે રસીની અછતના લીધે દેશમાં હાલ રસીકરણના કાર્યક્રમની ગતિ બહુ ધીમી પડી ગઇ છે. રસીની અછત વચ્ચે પહેલીવાર કેન્દ્ર સરકારે કહયું છે કે તે જરૂરિયાતને પુરી કરવા માટે ત્રણ વૈશ્વિક ઉત્પાદકો ફાઇઝર, મોડર્ના અને જોન્સન એન્ડ જોન્સન સાથે વાતચીત કરી રહી છે. કેન્દ્રનું કહેવું છે કે આવું રસીનો જથ્થો જેમ બને તેમ જલ્દી મળે એટલા માટે કરાઇ રહયું છે. જો કે સરકારનું કહેવું એમ પણ છે કે ત્રણેય કંપનીઓ પહેલા જ કહી ચુકી છે કે તેઓ કોઇ પણ પ્રકારની ચર્ચા માટે ૨૦૨૧ના ત્રીજા ત્રિમાસિકમાં જ તૈયાર થઇ શકશે એટલે અત્યારે તેની સપ્લાય ચેનમાં ભારતને સામેલ કરવાનું શકય નથી.

કેન્દ્ર સરકારે રસી ઉત્પાદકો તરફથી અપાયેલ આંકડાઓની માહિતી આપતા કહયું હતું કે ભારતમાં આ વર્ષે ઓગષ્ટથી ડીસેમ્બરમાં બે અબજથી વધારે ડોઝ ઉપલબ્ધ થઇ શકે છે. કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડોકટર વી કે થૌલે કહયું હતું કે સરકારે ઓગષ્ટ-ડીસેમ્બર વચ્ચે રસીની ઉપલબ્ધતા અંગે ઉત્પાદકો સાથે વાતચીત કરી છે અને આ સમયગાળામાં ભારતમાં ૨૧૬ કોરડ ડોઝ ઉપલબ્ધ થઇ શકે છે.

પૌલે એમ પણ કહયું કે સરકારે આ ત્રણે કંપનીઓનો ભારતમાં વેકસીન ઉપલબ્ધ કરાવવા માટે ઔપચારિક રીતે સંપર્ક કર્યો અને તેમાં દરેક પ્રકારની મદદ આપવાનું પણ કહયું. પૌલે કહયું, 'અમે કંપનીઓને પુછયું કે શું તેઓ ભારતને રસી મોકલશે? શું તેઓ ભારતમાં ઉત્પાદન કરવા ઇચ્છે છે? અમે તેમને કહયું કે અમે ભાગીદાર શોધવામાં તેમની મદદ કરીશું.' જો કે ત્રણે કંપનીઓએ ઇશારો કર્યો કે તેમની પાસે અત્યારે ભારતને રસી સપ્લાય કરવાની ક્ષમતા જ નથી બચી અને તેઓ થોડા મહિના પછી વાતચીત કરશે.

(4:13 pm IST)