Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં NDRFની ૫૩ ટીમો તૈનાત

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું તૌકતે વાવાઝોડું ત્રાટકશે : અત્યારે ૨૪ ટીમોને પૂર્વતૈયારી માટે મોકલી દેવામાં આવી

નવી દિલ્હી, તા. ૧૪ : અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા હવાના હળવા દબાણને પગલે સંભવિત 'તૌકતેલ્લ વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાત સહિત કેટલા રાજ્યોના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. વાવાઝોડાના ખતરાને પગલે અગમચેતીરૂપે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) દ્વારા ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં એનડીઆરએફની ૫૩ ટીમો તૈનાત કરી છે. એનડીઆરએફના ડિરેક્ટર જનરલ એસ એન પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ ટીમો કેટલાક રાજ્યોના દરિયાકાંઠે તૈનાત કરાઈ છે. ગુજરાત ઉપરાંત કેરળ, કર્નાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ટીમો એલર્ટ કરવામાં આવી છે. અત્યારે ૨૪ ટીમોને પૂર્વતૈયારી માટે મોકલી દેવામાં આવી છે અને અન્યને એલર્ટ રાખવામાં આવી છે. એનડીઆરએફની એક ટીમમાં ૪૦ વ્યક્તિઓનો સમાવેશ થાય છે અને તેઓ ઝાડ તેમજ થાંભલા કાપવાના કટર, બોટ, પ્રાથમિક આરોગ્ય સામગ્રી તેમજ અન્ય રાહત અને બચાવના સાધનો સાથે રાખે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં દક્ષિણપશ્ચિમ બાજુએ હળવું દબાણ સર્જાયું છે જે વાવાઝોડામાં રૂપાંતરિક થઈ કેટલાક રાજ્યોના દરિયાકાંઠા સાથે અથડાઈ શકે છે. શનિવાર સવાર સુધીમાં આ દબાણ ડીપ્રેશનમાં તબદીલ થઈ શકે છે અને ૨૪ કલાક બાદ તે સાયક્લોનિક સ્ટોર્મમાં રૂપાંતર થવાની આગાહી છે. આ વાવાઝોડું ૧૮ મે સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠા તેમજ પાડોશી દેશ પાકિસ્તાનના કાંઠા તરફથી ફંટાવાની શક્યતા છે. ગુજરાતના દરિયાકાંઠ ટકરાવાની સંભાવના ધરાવતા વાવાઝોડાનું નામ 'તૌકતેલ્લ છે. આ નામ મ્યાનમારે આપ્યું છે. તેનો અર્થ 'ગેકોલ્લ એટલે કે ગરોળી થાય છે. ચાલુ વર્ષમાં આ સૌપ્રથમ વાવાઝોડું હશે જે દેશની કોઈ રાજ્યના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે.

(7:36 pm IST)