Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

કોરોના અદ્રશ્ય દુશ્મન, તમામે ભેગા મળીને લડવાનું છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કોરોના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની લાગણી વ્યક્ત કરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિડિયો કોન્ફરન્સિંગથી ખેડૂતોને સંબોધન કોરોના સામે લડવા લોકોને હિંમત રાખવાનો સંદેશ આપ્યો

નવી દિલ્હી, તા. ૧૪ : દેશમાં હાહાકાર મચાવનાર કોરોના સંક્રમણ અંગે પીએમ મોદીએ આજે પોતાની લાગણી દેશવાસીઓ સમક્ષ વ્યક્ત કરી હતી.

આજે પીએમ મોદીએ દેશના ખેડૂતોના બેક્ન એકાઉન્ટમાં ૧૯૦૦૦ કરોડ રુપિયાથી વધારે રકમ ટ્રાન્સફર કરી હતી.આ પ્રસંગે પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સિંગથી ખેડૂતોને સંબોધન કર્યુ હતુ અને સાથે સાથે કોરોના સામે લડવા માટે લોકોને હિંમત રાખવાનો સંદેશ પણ આપ્યો હતો.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, કોરોના દેશનો અદ્રશ્ય દુશ્મન છે અને બહુરુપી પણ છે. જેની સામે આપણે બધાએ ભેગા મળીને લડવુ પડશે.ભારત હાર નહીં માનનારો દેશ છે અને મને પૂરો વિશ્વાસ છે કે, ભારત આ વાયરસનો દ્રઢતાથી સામનો કરશે.કોરોના વાયરસ આપણી પરીક્ષા લઈ રહ્યો છે પણ આપણે હારવાનુ નથી.

તેમણે આગળ કહ્યુ હતુ કે, કોરોના મહામારી દરમિયાન દેશના લોકો જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેનો મને અહેસાસ છે.સરકાર કોરોનાની લડાઈમાં જેટલા પણ વિઘ્નો છે તેને દૂર કરવા માટે કામ કરી રહી છે.છેલ્લા કેટલાક સમયથી દેશવાસીઓ જે સહન કર્યુ છે અને તેમણે જે પીડા વેઠી છે, તેઓ જે તકલીફમાંથી પસાર થયા છે તે હું સારી રીતે સમજી શકું છું. તેઓ જે દુખ અનુભવી રહ્યા છે તે જ દુખ હું પણ અનુભવી રહ્યો છું.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દેશમાં ઓક્સિજન સપ્લાય વધારવા માટે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવી રહ્યા છે અને બહુ જલ્દી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાશે. દેશની તમામ સરકારી હોસ્પિટલોમાં મફત કોરોનાનીર સી આપવામાં આવી રહી છે એટલે લોકોને મારી અપીલ છે કે જ્યારે પણ તમારો વારો આવે ત્યારે રસી ચોક્કસ લેજો. આ રસી કોરોના વિરુધ્ધ તમારા માટે સુરક્ષા કવચ તરીકે કામ કરશે અને ગંભીર બીમારી થવાની શક્યતાઓને ઘટાડશે.

તેમણે કહ્યુ હતુ કે, ઓક્સિજન ટ્રેનોએ કોરોના સામેના જંગમાં મહત્વનુ યોગદાન આપ્યુ છે. આ પ્રકારની ટ્રેનો દેશના વિવિધ હિસ્સાઓમાં ઓક્સિજન પૂરો પાડી રહી છે.ઓક્સિજન ટેક્નરો થકી ઓક્સિજન પહોંચાડવા માટે ડ્રાઈવરો પણ રોકાયા વગર કામ કરી રહ્યા છે. સંકટના આ સમયમાં દવાઓ અને બીજી જરુરી વસ્તુઓની સંઘરાખોરી તેમજ કાળાબજારીમાં કેટલાક લોકો વ્યસ્ત છે. આ પ્રકારની માનવતા વિરુધ્ધની હરકતો કરનારાઓ સામે રાજ્ય સરકારો આકરા પગલા લે.

(9:10 pm IST)