Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

કેદારનાથ મંદિરમાં સુરક્ષા અને દર્શનને સુવ્યવસ્થિત કરવા માટે ITBP તૈનાત કરવામાં આવી

દરરોજ 20 હજારથી વધુ ભક્તો મંદિરની મુલાકાતે આવે છે: બીજી તરફ, સોનપ્રયાગ, ઉખીમઠ અને કેદારનાથ જેવા સ્થળોએ કેદારનાથ ઘાટીમાં આવતા-જતા યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે

નવી દિલ્હી: કોરોનાના બે વર્ષના અંતરાલ બાદ ચારધામ યાત્રા માટે ભક્તોની ભીડ ઉમટી છે. કેદારનાથમાં શ્રદ્ધાળુઓના અભૂતપૂર્વ ધસારાને કારણે કેદારનાથ મંદિરમાં સુરક્ષા અને દર્શનને સુવ્યવસ્થિત કરવા માટે ITBP તૈનાત કરવામાં આવી છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) કેદારનાથ મંદિર અને કેદારનાથ ઘાટી માં તીર્થયાત્રીઓના દર્શન અને તેમની ભીડને નિયંત્રિત કરી રહી છે. ITBPનું કહેવું છે કે દરરોજ 20 હજારથી વધુ ભક્તો મંદિરની મુલાકાતે આવે છે. બીજી તરફ, સોનપ્રયાગ, ઉખીમઠ અને કેદારનાથ જેવા સ્થળોએ કેદારનાથ ઘાટીમાં આવતા-જતા યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

ITBPના પ્રવક્તા વિવેક કુમાર પાંડેયએ કહ્યું કે ITBPની ટીમો આ સ્થળોએ યાત્રાળુઓની અવરજવર પર ચાંપતી નજર રાખી રહી છે. 6 મે, 2022 પછી, મંદિરના કપાટ ખૂલ્યાને એક અઠવાડિયું થઈ ગયું છે અને અત્યાર સુધીમાં અંદાજિત 1 લાખ 30 હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે.

તેમના જણાવ્યા અનુસાર, ITBP એ વિસ્તારમાં તેની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને પણ એલર્ટ કરી દીધી છે. ઓક્સિજન સિલિન્ડરો અને તબીબી સાધનો સાથેની મેડિકલ ટીમો વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે અને રાજ્ય વહીવટીતંત્રની મદદથી મેડિકલ ઇમરજન્સી અને જરૂર પડે તો બીમાર લોકોને બહાર કાઢવાની કવાયત કરવામાં આવી રહી છે.

બીજી બાજુ, બદ્રીનાથ મંદિરમાં પણ ITBPની ટીમો મંદિર અને નાગરિક પ્રશાસનને દર્શનના વ્યવસ્થિત સંચાલનમાં અને શ્રદ્ધાળુઓની મંદિર પરિસર વગેરેમાં અવરજવર મામલે મદદ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પછી કોવિડ પ્રતિબંધો દૂર થયા છે એટલે આ વર્ષે ચાર ધામ યાત્રા માટે અભૂતપૂર્વ સંખ્યામાં યાત્રાળુઓ જોવા મળી રહ્યા છે. 3 મેએ યાત્રા શરુ થવાના પહેલા, લગભગ ત્રણ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પૂર્વશરત તરીકે રાજ્યની પ્રવાસન વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે, સ્થાનિક લોકોનું કહેવું છે કે હજારો અન્ય યાત્રાળુઓ કોઇપણ રજિસ્ટ્રેશન વગર મંદિરોમાં પ્રવેશ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા કેદારનાથના ફોટોઝ અને વિડીયોમાં જોવા મળ્યું છે કે કઈ રીતે લોકો હેલીપેડ અને મંદિરની નજીક લગભગ એક કિમી સુધીની લાંબી સર્પાકાર લાઈનોમાં જગ્યા મેળવવા માટે ભારે ધક્કામુક્કી કરી રહ્યા છે.

ચાર ધામ બાદ 22 મેથી 15,200 ફૂટની ઉંચાઈ પર સ્થિત શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારા શીખ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. પંજાબ, હરિયાણા અને NCR પ્રદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લે છે.

(5:44 pm IST)