Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ચારધામ યાત્રામાં ૧૨ દિ'માં ૩૧ ભાવિકોનાં મોત નિપજ્યા

કોરોના બાદ યાત્રા શરૂ થઈ પણ મુશ્કેલી વધી : ભાવિકોના મોતના કારણ માટે બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક જવાબદાર, લોકોના હેલ્થની ચકાસણી માટે કેમ્પો શરૂ કરાશે

નવી દિલ્હી, તા.૧૪ : ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચાર ધામ યાત્રા માટે ભાવિકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે અ્ને બીજી તરફ ચિંતાજનક વાત એ છે કે, અહીંયા ભાવિકોના થઈ રહેલા મોતની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા ૧૨ દિવસમાં ૩૧ ભાવિકોના મોત થઈ ચુકયા છે અને રાજ્યના હેલ્થ વિભાગના ઉચ્ચાધિકારી ડો.શૈલજા ભટ્ટનુ કહેવુ છે કે, ભાવિકોના મોતના કારણ માટે બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક જવાબદાર છે. હવે ચાર ધામ યાત્રાએ આવતા લોકોના હેલ્થની ચકાસણી કરવા માટે રૂટ પર કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.

તેમનુ કહેવુ હતુ કે, ઉંચાઈવાળી જગ્યાઓ પર ઓક્સિજન ઓછો હોય છે અને તેના કારણે પહેલેથી જ બીમારીઓનો સામનો કરતા ભાવિકો પર તેની અસર પડી રહી છે. જાણકારી પ્રમાણે મોતને ભેટેલા ભાવિકો પૈકી યમુનોત્રીમાં ૧૨ લોકો મોતને ભેયા છે. જ્યારે ગંગોત્રીમાં ૩ લોકોના મોત થયા છે.

બીજી તરફ ભાવિકોનો ધસારો યથાવત છે. ચારધામ યાત્રા શરૂ થયાના ગણતરીના દિવસોમાં દર્શન કરનારા ભાવિકોની સંખ્યા દોઢ લાખ થઈ ચુકી છે.

૨૦૨૧માં કોરોનાના કારણે ઓછા લોકો આવ્યા હતા અને ૨.૪૨ લાખ લોકોએ આખી સિઝન દરમિયાન દર્શન કર્યા હતા.

(7:55 pm IST)