Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

હેસ્ટર બાયોનો ૨૦૨૦-૨૧ના ચોથા ત્રિમાસિક ગાળાનો નફો ૭૭ ટકા રૂ. ૮.૮૬ કરોડ થયો

મુંબઇ તા. ૧૪ : અગ્રણી એનિમલ હેલ્થકેર કંપની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે સ્ટેન્ડઅલોન ધોરણે રૂ. ૮.૮૬ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના આ જ ત્રિમાસિક ગાળામાં રૂ. પાંચ કરોડના ચોખ્ખા નફા કરતાં ૭૭ ટકાની વૃદ્ઘિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૧ના છેલ્લા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખા વેચાણો રૂ. ૬૩.૧૬ કરોડ રહ્યા હતા જે અગાઉના નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂ. ૪૧.૪૩ કરોડના ચોખ્ખા વેચાણો કરતાં બાવન ટકા વધુ હતા. નાણાંકીય વર્ષ ૨૦૨૧ના ચોથા ત્રિમાસિક ગાળા માટે ઈપીએસ શેરદીઠ રૂ. ૧૦.૪૧ રહી હતી. કંપનીએ તંદુરસ્ત માર્જિન જાળવી રાખ્યા છે. એબિટા માર્જિન ૩૨.૬૨ ટકા અને નેટ પ્રોફિટ માર્જિન ૧૪.૦૩ ટકા રહ્યા છે. બોર્ડ ઓફ ડિરેકટર્સે નાણાંકીય વર્ષ ૨૦૨૧ માટે શેરદીઠ રૂ. ૧૦ (૧૦૦ ટકા) ડિવિડન્ડની ભલામણ કરી છે જે શેરધારકોની મંજૂરીને આધીન રહેશે. આ ડિવિડન્ડ ભલામણ ચોખ્ખા નફાના લઘુત્ત્।મ ૧૮ ટકાના વિતરણની કંપનીની ડિવિડન્ડ નીતિને અનુલક્ષીને છે.

ગત નાણાંકીય વર્ષની સરખામણીએ નાણાંકીય વર્ષ ૨૦૨૧ દરમિયાન એકંદરે વેચાણ ૨૩ ટકા વધ્યું હતું. ચોથા ત્રિમાસિક ગાળામાં સ્થાનિક વેચાણો પંચાવન ટકા અને સમગ્ર વર્ષ દરમિયાન ૨૯ ટકાની વૃદ્ઘિ જોવા મળી હતી. સ્થાનિક સ્તરે, ખાસ કરીને પોલ્ટ્રી વેકિસન અને હેલ્થ પ્રોડકટ્સની માંગ વધી હતી. પોલ્ટ્રી સેકટરમાં બર્ડ ફલૂના જોવાયેલા કિસ્સાના લીધે પ્રિવેન્ટિવ અને કયુરેટિવ મેડિકેશનના ભારે ઉપયોગના લીધે માંગમાં વધારો જોવાયો હતો. નાણાંકીય વર્ષ ૨૦૨૧ના ચોથા ત્રિમાસિક ગાળામાં નિકાસ વેચાણોમાં ત્રણ ટકાની વૃદ્ઘિ થઈ હતી.

(9:51 am IST)