Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

તમે ઓનલાઇન ઓર્ડર કરેલી કેકઃ બ્રાઉનીમાં અફીણ કે ગાંજો તો નથીને?

દેશમાં પહેલીવાર અફીણ અને ગાંજાવાળી કેક અને બ્રાઉની સપ્‍લાય કરતા બે જણ પકડાયાઃ એનસીબીએ સોશ્‍યલ મીડિયા પર નજર રાખીને રેકેટ પકડયું

આજના યુવાનોમાં ઓનલાઇન કેક અને બ્રાઉની મગાવવાનું ચલણ વધ્‍યું છે. વળી બર્થ-ડે સેલિબ્રેશનમાં તો કેક અને બ્રાઉની હોય જ એવી એક માન્‍યતા થઈ ગઈ છે. જોકે હવે એમાં પણ ડ્રગ ભેળવવામાં આવતું હોવાનું બહાર આવ્‍યું છે. દેશમાં આવું પહેલી વાર બન્‍યું છે. નાર્કોટિક્‍સ કન્‍ટ્રોલ બ્‍યુરોએ સોશ્‍યલ મીડિયા પર નજર રાખીને મલાડ (વેસ્‍ટ)ના ઓર્લેમમાંથી ડ્રગ ધરાવતી કેક અને બ્રાઉની વેચનાર એક યુવતી અને તેના બોયફ્રેન્‍ડને ઝડપી લીધાં છે. નવાઈની વાત એ છે કે એ કેકની જાહેરાત યુવાનોના માનીતા એવા ઇન્‍સ્‍ટાગ્રામ પર કરાઈ હતી. એમાં વિવિધ ફ્‌લેવરની ચોક્કસ કેક મળશે એમ જણાવાયું હતું.

અફીણ અને ગાંજો થોડી-થોડી માત્રામાં થોડો વખત પણ લેવામાં આવે તો એની લત પડી જાય છે. વળી એ લેવાથી થોડો વખત ઉન્‍માદ થાય છે, પણ ત્‍યાર બાદ ભારે ડિપ્રેશન આવે છે. કેક અને બ્રાઉનીમાં જો યુવાનો ડ્રગ ખાતા થઈ જાય તો તેઓ ફરી-ફરી એ જ કેક અને બ્રાઉની આઙ્ઘર્ડર કરે છે અને એની સાથે ધંધો પણ વધે છે. વળી એનો ચાર્જ વધારે હોય તો પણ યુવાનો એ આપવામાં ખચકાટ નથી અનુભવતા.

નાર્કોટિક્‍સ કન્‍ટ્રોલ બ્‍યુરોના ઝોનલ ડિરેક્‍ટર સમીર વાનખેડેએ આ વશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમે સોશ્‍યલ મીડિયા પર નજર રાખતા હોઈએ છીએ. એમાંથી જ અમને આ વિશે જાણવા મળ્‍યું હતું. આ લોકો ઇન્‍સ્‍ટાગ્રામ અને વોટસએપ પર તેમની એ ખાસ બનાવટની કેકનો પ્રચાર કરતા હતા. તેમની એ જાહેરાત પર અમે વોચ રાખી હતી. તેમને એમ હતું કે ઇન્‍સ્‍ટાગ્રામ પર કોઈ નજર નહીં રાખતું હોય. જોકે એવું નથી અમે દરેક સોશ્‍યલ મીડિયા પર નજર રાખતા હોઈએ છીએ. વળી એનું પેમેન્‍ટ પણ ઓનલાઇન લેવાતું હતું. એથી જાણે કે એ ચોખ્‍ખો ધંધાકીય વ્‍યવહાર હતો એવું બતાવવામાં આવતું હતું.

મલાડમાં શનિવારે મોડી રાતે કરાયેલી આ કાર્યવાહી વિશે સમીર વાનખેડેએ વધુમાં જણાવતાં કહ્યું હતું કે ‘ઓર્લેમમાં રહેતી ૨૦ વર્ષની યુવતી અને તેનો બોયફ્રેન્‍ડ એલ્‍સ્‍ટન ફર્નાન્‍ડીસ દ્યરમાં જ કેક બનાવીને સપ્‍લાય કરતાં હતાં. તેમને બાંદરાના ડ્રગ સપ્‍લાયર જગત ચૌરસિયા ગાંજો અને અફીણ સપ્‍લાય કરતો હતો. અમે તે યુવતી, તેના બોયફ્રેન્‍ડ અને જગત ચૌરસિયા એ ત્રણેને ઝડપી લીધાં છે. એ બન્ને પાસેથી ૮૩૦ ગ્રામ ગાંજો નાખેલી ૧૦ બ્રાઉની અને ૩૫ ગ્રામ મારિજુઆના જપ્ત કર્યું હતું. જગત ચૌરસિયા પાસેથી ૧૨૫ ગ્રામ મારિજુઆના મળી આવ્‍યું હતું જે જપ્ત કરાયું હતું. જગત ચૌરસિયા ઘણા લોકોને ડ્રગ સપ્‍લાય કરે છે. એથી એ અન્‍ય કેટલી બેકરીઓને સપ્‍લાય કર્યું છે એની અમે તપાસ કરી રહ્યા છીએ.

પકડાયેલા ત્રણે આરોપીઓ સામે એનડીપીએસ એક્‍ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.

(10:19 am IST)