Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ગુજરાતમાં ત્રીજો મોરચો : 'આપ' ૧૮૨ બેઠકો પર લડશે

'મિશન ગુજરાત' હેઠળ અમદાવાદ આવેલા આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલની પત્રકાર પરિષદમાં સિંહગર્જના : ગુજરાતની જનતા પરેશાન છે : ખેડૂતો આત્મહત્યા કરે છે : વેપારીઓ ડરેલા છે : હવે પ્રજા સમક્ષ 'આપ'નો વિકલ્પ : ગુજરાત કોંગ્રેસ તો ભાજપના ખિસ્સામાં છે : જરૂર પડે ત્યારે માલ સપ્લાય કરે છે

અમદાવાદ તા. ૧૪ : મીશન ગુજરાત ર૦રર હેઠળ આજે અમદાવાદની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે એવી સિંહ ગર્જના કરી હતી કે ર૦રરની વિધાનસભાની ચુંટણીમાં અમારો પક્ષ રાજયની તમામ ૧૮ર બેઠકો ઉપરથી ચુંટણી લડશે. તેમની આ જાહેરાતથી ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ હવે આપ ત્રીજો મોરચો બન્યો છે. આગામી ચુંટણીમાં ત્રિપક્ષીય ચુંટણી જંગ ખેલાશે એ નક્કી છે.

આમ આદમી પાર્ટી ૨૦૨૨માં થનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડશે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓએ એલાન કર્યું કે તેનો પક્ષ ગુજરાતમાં વિધાનસભાની દરેક ૧૮૨ સીટો પર ચૂંટણી લડશે. ગુજરાતમાં આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો અત્યારથી જ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉધ્ઘાટન કરવાની સાથે તેમણે પત્રકાર પરીષદ સંબોધી હતી જેમાં તેમણે ભાજપ, કોંગ્રેસને આડે હાથ લેતા અનેક આક્ષેપો કર્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટીના ઉમેદવારો તમામ બેઠક પરથી ચુંટણી લડશે.

આ પહેલા રવિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે, હવે બદલાશે ગુજરાત...આ સિવાય સોમવારે સવારે પણ તેમણે એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, 'હું ગુજરાતના જાણીતા પત્રકાર શ્રી ઇસુદાન ગઢવિજીનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત કરૃં છું. મને પૂરો વિશ્વાસ છે કે ઇસુદાન ભાઈએ ગુજરાત માટે જે સપનું જોયું છે તે નિશ્ચિતરૂપે ગુજરાતની જનતા સાથે મળીને પૂરૃં કરશે.'

ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં સુરત મહાનગરપાલિકાની ૧૨૦માંથી ૨૭ બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. જયારે હવે ફરીવાર તેઓ ગુજરાત આવ્યા અને ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણી માટે ભાજપ અને કોંગ્રેસ માટે પડકાર ફેંકયો.

અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ઇસુદાન ગઠવી ગુજરાતનો કેજરીવાલ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તા પર છે. પણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ મિત્રોની જેમ કામ કરી રહ્યાં છે. કહેવાય છે કે, ગુજરાતમાં કોંગ્રેસ ભાજપનાં ખિસ્સામાં છે. જયારે ભાજપને જરૂર પડે છે ત્યારે તે માલ કોંગ્રેસ સપ્લાય કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં આ બે પાર્ટી તો એક જ છે ત્યારે આપને કારણે વિકલ્પ મળ્યો છે. ગુજરાતમાં બેઠેલો વ્યકિત જોઇ શકે છે કે, દિલ્હીમાં વીજળી આટલી સસ્તી કેમ છે અમારે તો બહું મોંઘી છે. તેઓ અહીં બેસીને જોઇ શકે છે કે, દિલ્હીમાં પાંચ વર્ષમાં હોસ્પિટલની સ્થિતિ અને શાળાઓની સ્થિતિ આટલી સારી છે તો ગુજરાતમાં ૭૦ વર્ષમાં શાળા અને હોસ્પિટલની સ્થિતિ કેમ સુધરી નથી શકતી? પણ સ્થિતિ હવે સુધરશે.

આ સાથે વિધાનસભાની ચૂંટણી માટે જણાવ્યું કે, ૨૦૨૨માં તમામ સીટ પર ગુજરાતમાં કેન્ડીડેટ ઉભા કરવામાં આવશે. અહીં ખેડૂતો પરેશાન છે, વિદ્યાર્થીઓ પરેશાન છે, કોઈ પૃચ્છા કરવા વાળું નથી, ગુજરાતમાં વેપારીઓ ભયમાં છે, ડરવાની શુ જરૂર છે? ગુજરાતને કોરોના કાળમાં અનાથ છોડી દેવામાં આવ્યું હતું.વી ટીવીનાં પૂર્વ એડિટર અને પત્રકાર ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. પત્રકાર ઇસુદાન ગઢીએ ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી જે બાદ તેઓ આપ પાર્ટીમાં જોડાયા છે.

ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, જે રીતે અરવિંદ કેજરીવાલ લોકોની સેવા માટે આપ પક્ષ બનાવ્યો હતો. તે જ રીતે હું પણ લોકોની સેવા કરવા માટે જ આપ પાર્ટીમાં જોડાયો છું. નોંધનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, ઇશુદાન ગઢવી કઇ રાજનૈતિક પાર્ટીમાં જોડાશે ત્યારે આજે તે તમામ અટકળો પર પૂર્ણવિરામ આવી ગયો છે.

(3:21 pm IST)