Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

મા-બાપ અને ભાઇનું ખૂન કરીને યુવકે કરી લીધી આત્મહત્યા

ધનબાદ જીલ્લાની દર્દનાક ઘટના

ધનબાદ તા. ૧૪: ઝારખંડના ધનબાદ જીલ્લાના ધનસાર પોલિસ સ્ટેશનના ગાંધીનગરમાં એક સનકી યુવાને પોતાની માતા, સાવકા પિતા સહિત નાનાભાઇની ધારદાર હથિયારથી હત્યા કરી હતી. ત્યાર પછી તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી. આ દર્દનાક ઘટનાથી આખો વિસ્તાર દહેશતમાં છે. પોલિસ આ ઘટનાની તપાસમાં કામે લાગી ગઇ છે.

પોલિસનું કહેવું છે કે આજે સવારે સ્થાનિક લોકોએ જોયું કે મુન્નાસિંહના મકાનમાં ભાડે રહેતા મુન્ના યાદવના ઘરમાંથી દરવાજાની બહાર લોહી આવી રહ્યું છે. એટલે તેમણે પોલિસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલ પોલિસને મુન્ના યાદવ, મીના યાદવ અને રાહુલ યાદવની લોહીથી લથપથ લાશ નીચે પડેલી મળી આવી. જયારે રોહિત યાદવની લાશ બેડ પર પડેલી હતી.

મીના યાદવે મુન્ના યાદવ સાથે બીજા લગ્ન કર્યા હતા. રોહિત યાદવ મીનાના પહેલા પતિનો પુત્ર છે જયારે રાહુલ મુન્નાનો પુત્ર છે. લોકોનું કહેવું છે કે રોહિતનો કોઇ વાત બાબતે સાવકા બાપ, ભાઇ અને માં સાથે વિવાદ ચાલી રહ્યો હતો.

(3:38 pm IST)