Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

શું શરદ પવાર હશે વિપક્ષના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર ?

એનડીએ અને વિપક્ષના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવારના નામને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે

નવી દિલ્‍હી,તા. ૧૩: રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને હવે સત્તાધારી પક્ષ અને વિપક્ષના ઉમેદવારોને લઈને ચર્ચાનું બજાર ગરમ છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્‍યમંત્રી અને એનસીપી સુપ્રીમો શરદ પવાર વિશે પણ અટકળો લગાવવામાં આવી રહી છે. જો વિપક્ષી પાર્ટીઓ શરદ પવારના નામ પર સહમત થાય તો તેઓ ઉમેદવાર બની શકે છે.

આમ આદમી પાર્ટીના રાજયસભા સાંસદ સંજય રાઉતે શરદ પવાર સાથે તેમના નિવાસસ્‍થાને મુલાકાત કરી હતી. બીજી તરફ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીનો સંદેશ શરદ પવારને આપ્‍યો છે કે એક વિચારધારા ધરાવતી પાર્ટીઓએ એક મંચ પર આવીને આગળની રણનીતિ પર ચર્ચા કરવી જોઈએ.

ગઇ કાલે સંજય સિંહ પવારને મળ્‍યા હતા. તેઓ લગભગ અડધા કલાક સુધી સાથે હતા. સૂત્રોનું કહેવું છે કે જયારે સંજય સિંહને પૂછવામાં આવ્‍યું કે શું પવારનું નામ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોમાં સામેલ થઈ શકે છે, તો તેમણે જવાબ આપ્‍યો, ‘અમે ઈચ્‍છીએ છીએ કે તેઓ ચૂંટણી લડે.' જો કે શરદ પવારે પોતે આ અંગે કોઈ ટિપ્‍પણી કરી નથી. સૂત્રોનું કહેવું છે કે આ મામલે તેમનું વલણ પણ હકારાત્‍મક હતું, જોકે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્‍યો નથી.

સોનિયા ગાંધીએ પોતે આ અંગે શરદ પવાર અને મુખ્‍યમંત્રી મમતા બેનર્જી સાથે ચર્ચા કરી હતી. TMC સુપ્રીમો બેનર્જીએ ૧૫ જૂને ૨૨ વિપક્ષી પાર્ટીઓના નેતાઓને દિલ્‍હીમાં બોલાવીને બેઠકનું આયોજન કર્યું છે. આમાં દિલ્‍હી, કેરળ, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને પંજાબના મુખ્‍યમંત્રીઓ પણ ભાગ લેશે. મમતા બેનર્જીએ ૧૦ રાજકીય પક્ષો કોંગ્રેસ, NCP, RJD, SP, RLDને પણ આમંત્રણ આપ્‍યું છે.

જો કે આ બેઠકમાં કોણ પહોંચશે અને કોણ નહીં તે તો સમય જ કહેશે. અરવિંદ કેજરીવાલ ૧૫ જૂને પંજાબ જવાના છે. વિરોધ પક્ષો પાસે ૫,૪૦,૦૦૦ વોટ છે. જયારે NDA પાસે ૪,૯૦,૦૦૦ વોટ છે. મોટી સમસ્‍યા એ છે કે વિપક્ષી પાર્ટીઓ એક રહેશે કે નહીં.

(12:00 am IST)