Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જૈનાચાર્યે બાઇડનને આપ્‍યો ગન હિંસાની સમસ્‍યાનો ઉકેલ

અમેરિકાની સ્‍કૂલોમાં ‘શાંતિના શિક્ષણ'નો અમલ કરવાનું સૂચન આપ્‍યું

મુંબઇ,તા. ૧૪: અમેરિકામાં ગન હિંસાની વિરુદ્ધ લોકોમાં આક્રોશ છે, જેનો ઉકેલ હવે સૂચવવામાં આવ્‍યો છે. જૈનાચાર્ય લોકેશ મુનિ તાજેતરમાં અમેરિકાના પ્રેસિડન્‍ટ જો બાઇડનને મળ્‍યા હતા અને તેમને આ સમસ્‍યાનો ઉકેલ લાવવા માટે અમેરિકાની સ્‍કૂલોમાં ‘શાંતિના શિક્ષણ'નો અમલ કરવાનું સૂચન આપ્‍યું હતું. આ જૈનાચાર્ય અત્‍યારે એક મહિનાની અમેરિકાની ટ્રિપ પર છે. તેઓ ડેમોક્રેટિક પાર્ટીની એક ઇવેન્‍ટ વખતે ગયા અઠવાડિયામાં લોસ એન્‍જલસમાં પ્રેસિડન્‍ટ બાઇડનને મળ્‍યા હતા.

મુનિએ આ મીટિંગ દરમ્‍યાન બાઇડનને કહ્યું હતું કે ‘સમસ્‍યા એકલા ગનને લીધે નથી, પરંતુ મૂળ સમસ્‍યા માનસિકતાની છે. ખરો ઉકેલ આપણા દિમાગમાં અંદર રહેલી એ માનસિકતાને તાલીમ આપવાનો છે.'

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ‘આપણે પ્રાથમિક શિક્ષણના સ્‍તરે જ ‘શાંતિના શિક્ષણ'નો અમલ કરવાની જરૂર છે. જો આપણે એમ કરવામાં સફળ રહીશું તો પછી આપણને કાયમી ઉકેલ મળી જશે.'

૨૪ મેએ ટેક્‍સસના ઉવાલ્‍ડેમાં એક પ્રાથમિક સ્‍કૂલમાં એક હુમલાખોરે ૧૯ નાનાં બાળકો અને બે શિક્ષકોની હત્‍યા કરી હતી. અમેરિકન પબ્‍લિક હેલ્‍થ અસોસિએશન અનુસાર અમેરિકામાં દર વર્ષે ગન હિંસામાં ૩૮,૦૦૦થી વધુ લોકોનાં મોત થાય છે અને લગભગ ૮૫,૦૦૦ લોકોને ઈજા થાય છે. 

(10:22 am IST)