Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જીએસટી લાગુ થયાને પાંચ વર્ષ થવા આવ્‍યા ત્‍યારે ટ્રિબ્‍યુનલ રચવા તજવીજ

જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં ટ્રિબ્‍યૂનલની રચના અંગે નિર્ણય કરાશે : જીએસટી લાગુ થયા બાદ હજુ ટ્રિબ્‍યુનલની રચના જ કરવામાં આવી નથી

મુંબઇ,તા. ૧૪: ૧ જુલાઇ ૨૦૧૭ના રોજ જીએસટી લાગુ થયા બાદ આજદિન સુધી ટ્રિબ્‍યુનલની રચના કરવામાં આવી નથી. પરંતુ આગામી દિવસોમાં તેની રચના કરવામાં આવે તેવી શક્‍યતા ઉભી થઇ છે. કારણ કે ચાલુ માસમાં યોજાનારી જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં ટ્રિબ્‍યુનલ બનાવવા અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. જેથી પાંચ વર્ષે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પણ શકયતા રહેલી છે.

વેપારી પાસેથી જીએસટી વસૂલાત કરવા માટે અધિકારીઓ દ્વારા આડેધડ નોટિસ ફટકાવવામાં આવે, જીએસટીનું રિફંડ ચૂકવવામાં આડોડાઇ કરવામાં આવે તેવા કિસ્‍સામાં વેપારી જીએસટીના ડેપ્‍યુટી કમિશનરને અપીલ કરતા હોય છે. તેઓ દ્વારા અપીલ રદ કરી દેવામાં આવે અથવા તો વેપારીની વિરૂધ્‍ધમાં ચુકાદો આપવામાં આવે તો વેપારી ટ્રિબ્‍યુનલમાં જઇને ન્‍યાય માંગતો હોય છે. આ માટે ઇન્‍કમટેકસમાં ટ્રિબ્‍યુનલની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ તેનો અમલ પણ કરવામાં આવી રહ્યો છે. જયારે જીએસટી લાગુ થયાને પાંચ વર્ષ થવાના હોવા છતાં હજુ સુધી સમગ્ર દેશમાં જીએસટી ટ્રિબ્‍યુનલની રચના શુધ્‍ધાં કરવામાં આવી નથી. તેના લીધે વિવિધ સંગઠનો દ્વારા પણ જીએસટી ટ્રિબ્‍યુનલની રચના કરવા માટે રજુઆત કરી છે. આ જ કારણોસર જીએસટી કાઉન્‍સિલની ચાલુ માસમાં મળનારી બેઠકમાં જીએસટી ટ્રિબ્‍યુનલની રચના કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે. (૨૨.૬)

ટ્રિબ્‍યુનલની રચના નહીં થતા હાઇકોર્ટમાં જવાની સ્‍થિતી

જીએસટી ટ્રિબ્‍યુનલની રચના કરવામાં આવી નહીં હોવાના કારણે જીએસટી વિભાગ અને વેપારી વચ્‍ચે રિકવરીને લગતા કેસમાં સર્જાયેલી મડાગાંઠ દૂર કરવા માટે વેપારીએ નાછૂટકે હાઇકોર્ટમાં જવું પડતુ હોય છે. તેના કારણે વેપારીઓના માથે આર્થિક ભારણ વધુ રહેતુ હોય છે. જ્‍યારે ટ્રિબ્‍યુનલની રચના કરવામાં આવે તો મોટા શહેરોમાં જ તેને લગતા કેસની સુનાવણી થતી હોય છે. તેમજ ઝડપથી નિકાલ કરવામાં આવતો હોવાના લીધે વેપારીઓને ઓછા ખર્ચે ઝડપથી ન્‍યાય મળી રહેતો હોય છે. તેમ છતાં ટ્રિબ્‍યુનલની રચના કરવામાં ચાર વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે.

(11:29 am IST)