Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

શ્રીનગરમાં લશ્‍કર એ તોયબાના બે આતંકીઓ ઠાર : અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરવાનો ઘડયો હતો પ્‍લાન

સુરક્ષા દળોને શ્રીનગરમાં બે દિવસમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે

શ્રીનગર તા. ૧૪ : શ્રીનગરમાં  થયેલા સતત બીજા દિવસે એન્‍કાઉન્‍ટરમાં પોલીસ દ્વારા લશ્‍કર-એ-તૈયબાના વધુ બે આતંકવાદીઓને ઠાર કરાયા હતા. બંને આતંકીઓ પાકિસ્‍તાનથી પ્રેરીત આતંકવાદી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અથડામણમાં એક પોલીસકર્મીને પણ ઈજાઓ પહોંચી હતી. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો મળી આવ્‍યા છે. આ પહેલા રવિવારે શ્રીનગરમાં એક એન્‍કાઉન્‍ટરમાં લશ્‍કર એ તોયબાનો આતંકી આદિલ પારે માર્યો ગયો હતો. સુરક્ષા દળોને શ્રીનગરમાં બે દિવસમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે.

પોલીસે જણાવ્‍યું હતું કે બેમિના વિસ્‍તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આઈજી કાશ્‍મીર વિજય કુમારે કહ્યું કે આ ગ્રુપ સોપોર એન્‍કાઉન્‍ટર દરમિયાન ભાગી નિકળ્‍યું હતું. પોલીસ સતત તેમની શોધખોળ કરી રહી હતી. સચોટ માહિતીના આધારે તેમની હત્‍યા કરવામાં આવી હતી.

ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી મળી આવેલા દસ્‍તાવેજોના આધારે, એકની ઓળખ અબ્‍દુલ્લા ગોજરી તરીકે થઈ છે, જે પાકિસ્‍તાનના ફૈસલાબાદનો રહેવાસી છે. બીજો અનંતનાગનો આદિલ હુસૈન મીર ઉર્ફે સુફીયાન ઉર્ફે મુસાબ હતો.

પોલીસ રેકોર્ડ મુજબ તે ૨૦૧૮માં વાઘા બોર્ડરથી વિઝા પર પાકિસ્‍તાન ગયો હતો. તે ત્‍યાંથી હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લઈને પરત ફર્યો હતો. તેમણે કહ્યું કે સતત બીજા દિવસે પોલીસને આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. પોલીસની એસઓજી દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. આમાં સેના અને સીઆરપીએફની કોઈ સંડોવણી નહોતી.

(10:44 am IST)