Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પંજાબી ગાયક સિધ્ધુ મુસેવાલા હત્યાકાંડના બે હત્યારા કચ્છમાંથી ઝડપાયા : શૂટર સંતોષ જાદવ અને નવનાથ સૂર્યવંશી કલરકામ કરતા હતા

પુણે પોલીસનો ધડાકો : કચ્છના માંડવી અને અબડાસાથી બંને હત્યારાને ઝડપ્યા : દિલ્હી પોલીસે બંનેને મુસેવાલા કેસમાં સંડોવાયેલા ગણાવ્યા હતા

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : દેશભરમાં ચકચાર સર્જનાર પંજાબી ગાયક સિદ્ઘુ મુસેવાલા હત્યાકાંડમાં પુણે પોલીસે મોટો ધડાકો કરી બે શાર્પ શૂટર હત્યારાઓને કચ્છના માંડવી અને અબડાસામાંથી ઝડપી પાડયા હતા. જોકે, ત્રણેક દિવસ પહેલા સ્થાનિક પોલીસને સાથે રાખી ગુપ્ત માહિતી સાથે પુણે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ગઇકાલે પુણે કોર્ટમાં બન્ને આરોપીઓને રજૂ કરાયા અને તેમના ૧૦ દિવસના રિમાન્ડના સમાચાર આવ્યા ત્યારે પુણે પોલીસે કરેલ ધડાકાનો સ્થાનિક પોલીસ સહિત દેશભરના માધ્યમોને ખ્યાલ આવ્યો હતો.

પોલીસે બિશનોઇ ગેંગના સાગરીત નવનાથ સૂર્યવંશીને માંડવીમાં સહજાનંદ કોમ્પ્લેક્ષમાં રૂમ ભાડે રાખી રહેતા અને કલરકામ કરતાં નવનાથ સૂર્યવંશીને ઝડપી પાડ્યો હતો.

તેની પૂછપરછ કરતાં અન્ય આરોપી સંતોષ સુનીલ જાદવને અબડાસાના કોઠારા પાસે આવેલા નાગોર ગામમાંથી ઝડપી પાડયો હતો.

બન્ને આરોપીઓ અહીં પોતાની ઓળખ છુપાવી કલરકામ કરતાં હતાં. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંતોષ જાદવ ગવળી ગેંગનો સદસ્ય છે. તેની સાથે ઝડપાયેલ નવનાથ સૂર્યવંશી પણ શાર્પ શૂટર છે.

દિલ્હી પોલીસે બંનેને સિદ્ઘુ મુસેવાલા કેસમાં સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું. પુણે પોલીસે સૌરવ મહાકાલ નામના આરોપીને ઝડપ્યા બાદ આ બન્ને શૂટરો ગુજરાતના કચ્છ જિલ્લામાં છુપાયા હોવાની જાણકારી મળી હતી. ગેંગસ્ટર લોરેન્સની ગેંગ સાથે આ આરોપીઓના સબંધો તેમ જ સલમાનખાનના પિતા સલીમખાનને મળેલ ધમકી પત્ર સહિતની વિગતો પુણે પોલીસ ચકાસી રહી છે. દરમ્યાન પંજાબ પોલીસ પણ આ આરોપીઓનો કબજો મેળવવા પુણે જવા રવાના થઈ છે.

(11:24 am IST)