Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

મોંઘવારી સાતમા આસમાને : જથ્‍થાબંધ ફુગાવો ૧૫.૮૮%

સાંજે મળેલી રાહત સવારે ગાયબ : એપ્રિલનો આંક હતો ૧૫.૦૮ : મે મહિનામાં વધીને થયો ૧૫.૮૮ : રેકોર્ડબ્રેક સ્‍થિતિ

નવી દિલ્‍હી તા. ૧૪ : એક તરફ દેશની જનતાને છૂટક મોંઘવારી મોરચે રાહત મળી છે ત્‍યારે જથ્‍થાબંધ મોંઘવારીએ ફરી એક મોટો ઝટકો આપ્‍યો છે. મે મહિનામાં જથ્‍થાબંધ મોંઘવારી દરે ફરી ૧૫ ટકાથી ઉપરનું સ્‍તર જાળવી રાખ્‍યું હતું અને તે ૧૫.૮૮ ટકા પર પહોંચી ગયું હતું. નોંધનીય છે કે એપ્રિલ મહિનામાં તે ૧૫.૦૮ ટકા હતો.

ખાદ્ય ચીજવસ્‍તુઓના ભાવ વધારાના કારણે મોંઘવારી વધી છે. ઈંધણ અને વીજળીના મોંઘવારી દરમાં વધારાને કારણે જથ્‍થાબંધ મોંઘવારી પણ વધી છે. આ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો એપ્રિલમાં જથ્‍થાબંધ મોંઘવારી દર ૧૫.૦૮ ટકા, માર્ચમાં ૧૪.૫૫ ટકા, ફેબ્રુઆરીમાં ૧૩.૧૧ ટકા અને જાન્‍યુઆરી ૨૦૨૨માં ૧૨.૯૬ ટકા હતો. ડેટા અનુસાર, મે મહિનો સતત ૧૪મો મહિનો છે, જયારે જથ્‍થાબંધ ફુગાવાનો દર ૧૦ ટકાથી ઉપર છે.

ખાદ્ય ફુગાવો એપ્રિલમાં ૮.૮૮ ટકાથી વધીને મે મહિનામાં ૧૦.૮૯ ટકા થયો હતો. ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ (૮.૫૨ ટકા), ખાદ્ય પદાર્થો (૨.૪૦ ટકા), ખનિજો (૧.૭૩ ટકા) અને બિન ખાદ્ય ચીજો (૧.૫૨ ટકા)ના ભાવમાં વધારો થયો છે.

ખાદ્ય પદાર્થોમાં અનાજ, ડાંગર, ઘઉં, કઠોળ, શાકભાજી, બટેટા, ડુંગળી, ફળો, દૂધ, ઈંડા અને માંસ અને માછલી જેવી વસ્‍તુઓનો સમાવેશ થાય છે. ઇંધણ અને વીજળી સૂચકાંક, જેમાં એલપીજી અને પેટ્રોલિયમ જેવી વસ્‍તુઓનો સમાવેશ થાય છે.

જથ્‍થાબંધ ફુગાવાના નવા વિક્રમી સ્‍તરે પહોંચવામાં સૌથી મોટો હાથ ખાદ્યપદાર્થોથી માંડીને ચીજવસ્‍તુઓના ભાવમાં થયેલા વધારાનો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં જથ્‍થાબંધ મોંઘવારી દર ૧૩.૧૧ ટકા હતો. ઉલ્લેખનીય છે કે, જથ્‍થાબંધ ફુગાવો ગયા વર્ષના એપ્રિલથી સતત ૧૪મા મહિને બે આંકડામાં રહ્યો છે. જથ્‍થાબંધ મોંઘવારીનો આ નવો ઊંચો આંક છેલ્લા નવ વર્ષમાં સૌથી વધુ છે. બીજી તરફ, જો આપણે જૂના ડેટા પર નજર કરીએ તો, એપ્રિલમાં જે ફુગાવાના આંકડા સામે આવ્‍યા છે તે છેલ્લા ૩૦ વર્ષમાં એપ્રિલ મહિના દરમિયાન સૌથી વધુ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ખાદ્ય ચીજવસ્‍તુઓ સસ્‍તી થવાને કારણે મે મહિનામાં રિટેલ મોંઘવારી દર ઘટીને ૭.૦૪ ટકા પર આવી ગયો છે. જો કે, તે છેલ્લા સળંગ પાંચ મહિનાથી આરબીઆઈના સંતોષકારક સ્‍તરથી ઉપર છે. નેશનલ સ્‍ટેટિસ્‍ટિકલ ઓફિસ (NSO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, એપ્રિલમાં કન્‍ઝ્‍યુમર પ્રાઇસ ઇન્‍ડેક્‍સ આધારિત (CPI) ફુગાવો ૭.૭૯ ટકા હતો. ગયા વર્ષે મે મહિનામાં છૂટક ફુગાવો ૬.૩ ટકા હતો.

(3:40 pm IST)