Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

મત્સ્યઉદ્યોગ સબસીડી પર પ્રતિબંધની દરખાસ્તનો ભારતીય માછીમારો દ્વારા વિરોધ

વિકાસશીલ દેશોની માગને અનુરૃપ ન હોવાનો અભિપ્રાયઃભારતભરમાંથી માછીમારો વિરોધ કરવા જિનેવામાં સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયની બહાર એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો

નવી દિલ્હી, તા.૧૪ : ભારતના માછીમારી સમુદાયના કેટલાક સભ્યોએ રવિવારે વિશ્વ વેપાર સંગઠન (ડબલ્યુટીઓ)ના મત્સ્યઉદ્યોગ સબસિડી પર પ્રતિબંધ લગાવવાની દરખાસ્તનો વિરોધ કર્યો હતો કારણ કે, તે વિકાસશીલ દેશોની માગને અનુરૃપ નથી.પશ્ચિમ બંગાળના બિમન જૈને કહ્યું કે, જો માછીમારોની સબસિડી બંધ થઈ જશે તો તેમનું જીવન અને આજીવિકા બંધ થઈ જશે. તે માછીમારો વિરુદ્ધ ન હોવી જોઈએ જો સબસિડી શિસ્તની જરૃર હોય તો તે ઔદ્યોગિક માછીમારો માટે હોવી જોઈએ. આ અમારી મુખ્ય માગ છે.૧૨મી જૂને શરૃ થયેલી ૧૨મી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની મંત્રી સ્તરીય બેઠક દરમિયાન ભારતભરમાંથી માછીમારો  વિરોધ કરવા જિનેવામાં સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયની બહાર એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું કે, કેવી રીતે યુરોપ અને ચીનના વિશાળ માછીમારીના દિગ્ગજો દરિયાઈ સંસાધનોના ઘટાડા માટે જવાબદાર છે.ભારતીય માછીમારો વસ્તીના હિતની રક્ષા માટે અલગ-અલગ રાજ્યોના ૩૪ માછીમારોનું એક જૂથ જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સામેલ છે. તેઓ આ વિરોધ પ્રદર્શનનું પ્રતિનિધિત્વ કરતા જિનેવા પહોંચ્યા હતા. પ્રદર્શનમાં સામેલ મહારાષ્ટ્રના એક માછીમારે કહ્યું કે, હું નવમી પેઢીનો માછીમાર છું અને મારો પરિવાર સદીઓથી માછીમારી સાથે સંકળાયેલો છે. ચીન અને યુરોપ જેવા વિકસિત દેશોની માછીમારીની બોટ હજારો ટન માછલીઓ પકડે છે તેને બોટમાં જમા કરે છે અને તેઓ તેને લઈ જાય છે. ભારતીય માછીમારોને પોતાના અસ્તિત્વ માટે આ સબસિડીની આવશ્યકતા છે.સીએમએફઆરઆઈ સેન્સસ ૨૦૧૬ મુજબ દરિયાઈ માછીમારોની કુલ વસ્તી ૩.૭૭ મિલિયન છે જેમાં ૦.૯૦ મિલિયન પરિવારોનો સમાવેશ થાય છે. તેઓ ૩,૨૦૨ માછલી પકડતા ગામોમાં રહે છે. લગભગ ૬૭.૩ ટકા માછીમાર પરિવારો બીપીએલ કેટેગરીમાં હતા. સરેરાશ કુટુંબનું કદ ૪.૬૩ હતું અને કુલ લિંગ ગુણોત્તર પ્રતિ ૧૦૦૦ પુરુષોએ ૯૨૮ સ્ત્રીઓ હતી.ભારત આઈયુયુ માછીમારી પર અંકુશ લગાવીને અને હાનિકારક સબસિડીને તપાસીને ટકાઉ માછીમારીને સમર્થન આપવાના પક્ષમાં છે.મહારાષ્ટ્રના માછીમાર જ્યોતિબુઆએ કહ્યું કે, આપણા દેશમાં માછીમારીમાં મહિલાઓની સંખ્યા વધારે છે. જો આ સબસિડી દૂર કરવામાં આવશે તો સૌથી વધુ અસર મહિલાઓ પર પડશે. સબસિડી જતી રહેશે તો અમારું 'કુટુંબ' પણ જતું રહેશે.ગુજરાતના એક માછીમારે જણાવ્યું કે, જો આ સબસિડી હટાવી લેવામાં આવશે તો તે અમારા માટે જિદંગી અને મોતનો મામલો છે. અમે સમુદ્રને અમારો પિતા માનીએ છે અને તેનું એટલું જ સમ્માન પણ કરીએ છીએ. અમે અમાસની રાત્રે માછલી પકડવા પણ નથી જતા. જો આ સબસિડી છીનવી લેવામાં આવશે તો અમે જીવિત ન રહી શકીએ.

(8:00 pm IST)