Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

અફઘાની સેના દ્વારા ૨૬૭ તાલીબાન આતંકીનો ખાતમો

અમેરિકાની સેના પાછી ફર્યા બાદ અફરાતફરી : અફઘાન સેનાએ આતંકીઓ પર કરેલા હુમલાના અનેક વીડિયો પણ રિલિઝ કર્યા, ૧૧૯ આતંકવાદી ઘાયલ થયા

કાબુલ , તા. ૧૩ : અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વાપસી બાદ તબાહી મચાવી રહેલાં તાલિબાન લડાકૂઓને અફઘાનિસ્તાન સેનાના વિશેષ કમાન્ડોએ હવે જડબાતોડ જવાબ આપવાનું શરૂ કરી દીધુ છે. એટલું જ નહીં તાલિબાન વિરૂદ્ધ અફઘાન વાયુસેના પણ જોરદાર હુમલો કરીને આતંકીઓના અડ્ડાઓને તબાહ કરી રહી છે. અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે, છેલ્લાં ચોવીસ કલાકમાં જ ૨૬૭ તાલિબાન આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે અને ૧૧૯ આતંકીઓ ઈજાગ્રસ્ત થયા છે.

અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, સેનાએ નાંગરહાર, લાધમૈન, કંધાર, હેરાત, બાલ્ખ, ફરયાબ, જોવજાન, હેલમંડ કુંદૂજ, તખાર, કપિસા અને કાબુલ વિસ્તારમાં જોરદાર કાર્યવાહી કરી છે. જેમાં તાલિબાનના ૨૬૭ આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે. સોમવારે અફઘાન વાયુસેનાના બોમ્બમારામાં જોવજજાન વિસ્તારમાં ૨૯ તાલિબાની આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે. જેમાં આતંકીઓના ત્રણ ટોપ કમાન્ડર પણ સામેલ છે. આ હુમલામાં તાલિબાનના અડ્ડાઓ પણ તબાહ થયાં છે. અફઘાન સેનાએ હુમલાના અનેક વિડીયો પણ જાહેર કર્યાં છે.

અફઘાનિસ્તાનના ખાસ સુરક્ષાબળોનું કહેવું છે કે, તાલિબાનનો દાવો છે કે તેઓ ૮૫ ટકા વિસ્તારો પર કબજો કરી ચૂક્યાં છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. તેઓએ કહ્યું કે, તાલિબાન ગામડાંઓ અને શહેરોમાં મારો અને ભાગોની રણનીતિ અપનાવી રહ્યું છે, જેથી તેઓને ઓછામાં ઓછું નુકસાન ઉઠાવવું પડે. હવાઈ હુમલામાં તાલિબાનને ખૂબ જ નુકસાન ઉઠાવવું પડ્યું છે અને તેઓને અનેક વિસ્તારમાંથી પીછેહટ કરવું પડ્યું છે.

અફઘાન સેનાએ બાદધિસ પ્રાંતના એક મોટા વિસ્તારને તાલિબાન આતંકીઓમાંથી મુક્ત કરાવી લીધું છે. આ દરમિયાન તાલિબાન આતંકીઓને મોટુ નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે. આનાથી અનેક સાંસદોને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે બંને શહેરોમાં જો જોરદાર જવાબી કાર્યવાહી નહીં કરવામાં આવી તો તેઓ પર તાલિબાન કબજો કરી લેશે. ટોલો ન્યૂઝના જણાવ્યા મુજબ, તાલિબાનને બામિયાનના કાહમર્દ જીલ્લા પર કબજો મેળવી લીધો છે. આ દરમિયાન તાલિબાને અફઘાન સેના દ્વારા ૨૭૧ આતંકીઓનો સફાયો બોલાવવાના દાવાને નકાર્યો છે. અફઘાનના વિશેષ દળોએ પાતોના અભિયાનને દાંડ જીલ્લામાં વધારે તેજ બનાવી લીધું છે અને તાલિબાનના કબજા હેઠળના વિસ્તારો પર ફરીથી કબજો મેળવવાનું વચન લીધું છે. કંધારના લોકોના જણાવ્યા મુજબ, અહીં યુદ્ધ જેવી સ્થિતિના કારણે હોસ્પિટલ પણ ઈજાગ્રસ્તોથી ઊભરાઈ ગઈ છે.

(12:00 am IST)