Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

2030ના વર્ષમાં દરિયાઇ જળ સપાટી વધશે : ચંદ્ર હાલકડોલક થશે: પૃથ્વી પર વિનાશક પૂર આવશે

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ એક અભ્યાસમાં દાવો કર્યો

વોશિંગ્ટન : જળ - વાયુ પરિવર્તનના લીધે પૃથ્વી પરની ઋતુઓમાં ઝડપભેર ફેરફાર થઇ રહ્યા છે. ગ્લેશિયર ઓગળી રહ્યા છે અને કેટલાય દેશોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઇ ગઇ છે.

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ એક અભ્યાસમાં દાવો કર્યો છે કે ચંદ્ર પણ ઋતુ - પરિવર્તનનું કારણ હોઇ શકે છે. 2030ના વર્ષમાં જળ - વાયુ પરિવર્તનના લીધે દરિયાઇ જળ સપાટી વધશે. એ સાથે ચંદ્ર એની કક્ષામાં હાલકડોલક થશે, જેના પરિણામે પૃથ્વી પર વિનાશક પૂર આવશે.

નાસાનો આ અભ્યાસ ક્લાઇમેટ ચેન્જ પર આધારિત જર્નલ નેચરમાં 21 જૂને પ્રકાશિત થયો છે. અભ્યાસમાં ચંદ્ર પરની હલચલના પગલે પૃથ્વી પર આવનારા પૂરને ઉપદ્રવી પૂર ગણાવાયું છે. આ પ્રકારના પૂર તટવર્તી વિસ્તારોમાં આવે છે, જ્યારે સમુદ્રની લહેરો રોજની સરેરાશ ઊંચાઇના મુકાબલે બે ફીટ જેટલી વધુ ઊંચે ઉછળે છે.

નાસાના અભ્યાસ મુજબ 2030ના દાયકાના મધ્ય સુધી ઉપદ્રવી પૂરની સ્થિતિ સતત પેદા થતી રહેશે અને અચાનકપણે અનિયમિત થઇ જશે. અભ્યાસમાં જણાવાયું છે કે અમેરિકાના તટવર્તી વિસ્તારોમાં દરિયાઇ લહેરોએની સામાન્ય ઊંચાઇના મુકાબલે ત્રણથી ચાર ફીટ ઊંચે ઉછળશે. આ પરંપરા એક દાયકા સુધી જારી રહેશે. જો કે પૂરની આ સ્થિતિ આખું વર્ષ નિયમિતપણે રહેશે નહિ. ફક્ત કેટલાક મહિના દરમિયાન આવી સ્થિતિ રહેશે, જેનાથી એનો ભય ઓર વધી જશે, એમ અભ્યાસમાં ઉમેરાયું છે.

નાસાના પ્રશાસક બિલ નેલ્સને કહ્યું કે સમુદ્રની વધતી જળસપાટીના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય સતત વધતો રહ્યો છે. વારંવાર પૂર આવવાથી લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે, જેમાં આગામી સમયગાળામાં ઓર વધારો થવાની શક્યતા છે. ચંદ્ર એની કક્ષામાં સ્થાનફેર કરે એવી શક્યતા હોવાથી ગુરુત્વાકર્ષણ, વધતી દરિયાઇ જળસપાટી અને જળ - વાયુ પરિવર્તન એક સાથે ભેગા થઇને વૈશ્વિક સ્તરે તટવર્તી વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા કરશે, જેના પગલે ભારે તબાહી થઇ શકે છે, એમ નેલ્સને ઉમેર્યું.

(12:00 am IST)