Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ડિજિટલ વોલેટથી શોપિંગ સરળ બન્‍યું : ૯૦% ભારતીયોનો મત

QR કોડ સહિતની ડિજિટલ પેમેન્‍ટ પધ્‍ધતિ અપનાવવામાં ભારત અન્‍ય દેશો કરતાં ઘણું આગળ

બેગલુરૂ,તા. ૧૪ : કોરોના મહામારીને કારણે દેશમાં ઓનલાઇન શોપિંગના પ્રમાણમાં મોટો ઉછાળો નોંધાયો છે. ત્‍યારે ૧૦ માંથી ૯ ભારતીય દ્રઢપણે માને છે કે, ડિજિટલ વોલેટ્‍સથી તેમનું શોપિંગ સરળ બન્‍યું છે અને સરવેમાં ભાગ લેનારા મોટા ભાગના (૯૮ ટકા) લોકોએ છેલ્લા ૧૨ મહિનામાં માત્ર ઓનલાઇન કરી છે એવી માહિતી એક નવા વૈશ્વિક અહેવાલમાં જારી કરાઇ છે.

ગ્‍લોબલ પેમેન્‍ટ પ્રોવાઇડર બ્‍લેકહોક નેટવર્ક સરવેમાં જણાયું છે કે, સરવેમાં ભાગ લેનારા ૬૯ ટકા લોકો ડિજિટલ પેમેન્‍ટ સ્‍વીકારતા રિટેલર્સના ત્‍યાં શોપિંગ કરવાનું વધુ પસંદ કરે છે. સરવેમાં લગભગ ૧૩,૦૦૦ ગ્‍લોબલ શોપર્સના મત લેવાયા હતા. ભારત અન્‍ય દેશોની તુલનામાં મોબાઇલ કોમર્સ અપનાવવામાં અગ્રેસર રહ્યું છે. ૫૪ ટકા લોકોના જણાવ્‍યા અનુસાર તેમને ડિજિટલ પેમેન્‍ટ પધ્‍ધતિનો ઉપયોગ કરવા મળશે. તો તેઓ વધુ ખર્ચ કરશે. સરવેના તારણમાં જણાવ્‍યા અનુસાર ૯૩ ટકા ભારતીયો નિયમિત રીતે ડિજિટલ વોલેટ્‍સનો ઉપયોગ કરે છે. જેની તુલનામાં અન્‍ય દેશોના લોકોમાં આ સરેરાશ ૫૫ ટકા છે.

બ્‍લેકહોક નેટવર્કના ગ્‍લોબલ માર્કેટિગ હેડ થેરેસા મેકેન્‍ડ્રીએ જણાવ્‍યું હતુ કે ‘મહામારીમાં કોન્‍ટેક્‍ટલેસ પેમેન્‍ટનું ચલણ વધવાથી ડિજિટલ વોલેટ્‍સની માંગમાં મોટો ઉછાળો નોંધાયો હતો. ભારતમાં રોકડ વ્‍યવહારો મોટા પાયે થાય છે. અહીં ડિજિટલ પેમેન્‍ટ ઉદ્યોગ પ્રારંભિક તબક્કામાં છે, પણ ઝડપથી વિકસી રહ્યો છે' તેમણે વધુમાં જણાવ્‍યું હતુ કે ‘આર્થિક રિકવરી વેગ પકડશે તેમ ડિજિટલ પેમેન્‍ટ્‍સના પ્રમાણમાં વૃધ્‍ધિનો લાભ વેપારીઓને જ થશે.

ભારતીય ગ્રાહકો મોબાઇલ દ્વારા ટ્રાન્‍ઝેકશન્‍સના ઇનોવેટિવ વિકલ્‍પો અપનાવી રહ્યા છે. પેપાલ, ડિજિટલ વોલેટ્‍સ, વિવિધ એપ્‍સ, બોરકોડ્‍સ અથવા QR કોડ સહિતની તમામ ડિજિટલ પમેન્‍ટ પધ્‍ધતિનો ઉપયોગ કરવામાં ભારત અન્‍ય દેશો કરતાં ઘણું આગળ છે. સરવેમાં જણાવ્‍યા અનુસાર ‘ભારતમાં QR કોડના સ્‍કેનિંગની શકયતાની સરેરાશ અન્‍ય દેશોની તુલનામાં વધુ છે. સરવેમાં ભાગ લેનારા ૨૦ ટકા ભારતીયોએ મહામારીમાં પહેલી વખત QR કોડ અથવા બારકોડનો ઉપયોય કર્યો છે. જ્‍યારે ૬૯ ટકા તેનો વારંવાર ઉપયોગ કરે છે. ડિજિટલ પેમેન્‍ટ્‍સના ઉપયોગમાં મોટી વૃધ્‍ધિ છતાં સુરક્ષિત ચેકઆઉટ પ્રોસેસ' ની પસંદગીમાં ભારત તમામ દેશોમાં સૌથી નીચે ૧૩મા ક્રમે છે. ડિજિટલ પેમેન્‍ટમાં આ પરિબળ સૌથી મહત્‍વનું છે.

(10:17 am IST)