Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

રાજસ્થાનમાં વધુ એક કપ્પા વેરિઅન્ટ : ૧૧ દર્દીઓ થયા સંક્રમિત

લોકોને કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવાની અપીલ કરી છે

જયપુર તા. ૧૪ : દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. દેશભરમાં કોરોનાવાયરસનાં કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે દેશમાં કોરોનાવાયરસ સંક્રમણની બીજી લહેર ભલે નબળી પડી હોઇ, પરંતુ કોરોનાનાં વિવિધ વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો છે. ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ પછી હવે કોરોનાનું નવું વેરિએન્ટ મળી આવ્યુ છે. આપને જણાવી દઇએ કે, રાજસ્થાનમાં કોરોના આ નવુ વેરિએન્ટ સામે આવ્યુ છે, જેના કારણે લગભગ ૧૧ દર્દીઓ સંક્રમિત થયા છે.

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કેટલી ખતરનાક હતી, તે હવે કહેવાની જરૂર નથી. જો કે હવે આ ખતરો ટળી ગયો હોય તેમ લાગી રહ્યુ છે. જેના કારણે દેશભરમાં રસીકરણ અભિયાન યુદ્ઘનાં ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળતા નવા વેરિએન્ટનાં દર્દીઓ સરકારની ચિંતામાં વધારો કરી રહ્યા છે. હવે રાજસ્થાનથી એક નવો અહેવાલ બહાર આવ્યો છે, જે મુજબ કપ્પા વેરિએન્ટનાં કેસો અહી ૧૧ થઇ ગયા છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા સતત કહેવામાં આવી રહ્યું છે કે, આ વેરિઅન્ટ બહુ જોખમી નથી, તેમ છતાં તેઓ તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. રાજસ્થાનનાં આરોગ્ય પ્રધાન રઘુ શર્માનાં જણાવ્યા મુજબ રાજયમાં કપ્પાનાં વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૧ થઈ ગઈ છે. જેમાંથી ૪ જયપુરમાં અને ૪ અલવરમાં મળી આવ્યા છે. આ ઉપરાંત બાડમેરમાં ૨ અને ભીલવાડામાં એક દર્દી મળી આવ્યા છે. આ જ કારણ છે કે સરકાર હવે નવા વેરિએન્ટનાં કેસો શોધી રહી છે. આ સાથે, ઉંડાણપૂર્વકની તપાસ માટે સેમ્પલો લેબમાં મોકલવામાં આવી રહ્યા છે. શર્માએ લોકોને કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવાની અપીલ કરી છે.

એનઆઈટીઆઈ આયોગનાં સભ્ય (આરોગ્ય) ડોકટર વી કે પોલનાં જણાવ્યા અનુસાર, કપ્પા વેરિએન્ટ ડેલ્ટા વેરિઅન્ટ જેટલું જોખમી નથી. આ વેરિઅન્ટની ખૂબ ઓછી તીવ્રતા છે. અગાઉ ફેબ્રુઆરી અને માર્ચમાં પણ દેશમાં તેના ઘણા કેસો નોંધાયા હતા.

હાલમાં સરકાર દ્વારા કપ્પાનાં કેસ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત, કપ્પા વેરિઅન્ટનાં સાઇન્ટિફિક ઇફેકટ અને વેકિસન પ્રતિરક્ષા પર નજર રાખવાની જરૂરી છે. વળી કપ્પામાં બે વેરિઅન્ટ ઓળખવામાં આવ્યા છે, જે E484Q અને L452R છે. તેથી જ તેને 'ડબલ મ્યુટન્ટ' કહેવામાં આવે છે.

(11:12 am IST)