Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

રાજસ્થાન અને યુપીમાં મળ્યો કોવિડનો નવો વેરિયન્ટ : કપ્પા પણ ડેલ્ટાની જેમ કોરોના વાયરસનું ડબલ મ્યુટેન્ટ

174 સેમ્પલ મોકલાયા એમાંથી 166 સેમ્પલ ડેલ્ટા વેરિયન્ટના અને 5 કપ્પા વેરિયન્ટના મળ્યા

નવી દિલ્હી : કોરોના વાયરસના નવા નવા વેરિયન્ટ સાયન્સ અને સાયન્ટિસ્ટને પડકાર આપી રહ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટના વધતા કેસની વચ્ચે દેશમાં અત્યારે કોરોનાના કપ્પા વેરિયન્ટના 7 કેસ મળ્યા છે. આ કેસો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં મળ્યા છે. ડેલ્ટાની માફક કપ્પા પણ કોરોના વાયરસનું ડબલ મ્યુટેન્ટ છે.

રાજસ્થાનની રાજધાની જયપુરની SMS મેડિકલ કૉલેજ, દિલ્હીની એક લેબ અને પુણેના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑપ વાયરોલોજીમાં જીનોમ સીક્વન્સિંગ એટલે કે વેરિયન્ટની ઓળખ માટે કોરોનાના પોઝિટિવ સેમ્પલ મોકલે છે. આ ક્રમમાં બીજી લહેર દરમિયાન 174 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. આમાંથી 166 સેમ્પલ ડેલ્ટા વેરિયન્ટના અને 5 કપ્પા વેરિયન્ટના મળ્યા છે. આ જ રીતે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ કૉલેજમાં 109 સેમ્પલની જિનોમ સીક્વન્સિંગમાં 107 સેમ્પલ ડેલ્ટા પ્લસ અને 2 સેમ્પલ કપ્પા વેરિયન્ટના નીકળ્યા.

ડેલ્ટા, ડેલ્ટા પ્લસ અને લેમ્બ્ડા બાદ હવે કપ્પા નામના આ વેરિયન્ટે લોકોની ચિંતા વધારી દીધી છે. કપ્પા વેરિયન્ટની વાત કરીએ તો તે ડબલ મ્યુટેન્ટ વેરિએશન એટલે કે બે બદલાવોથી બન્યો છે. આને B.1.617.1ના નામથી પણ ઓળખવામાં આવે છે. વાયરસના આ 2 મ્યુટેશનને E484Q અને L453Rના નામે ઓળખવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે, કપ્પા વેરિયન્ટ ભારતમાં જ પહેલીવાર ઑક્ટોબર 2020માં ઓળખાયો હતો.

(11:24 am IST)