Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

સીએનજી ગેસના ભાવમાં ઝીંકાયો વધારો : ઘરેલુ પાઈપલાઈન ગેસના ભાવ પણ વધ્યા

મુંબઈના લાખો ઓટો અને ટેક્સી ડ્રાઇવરો પર ખર્ચનો બોજો વધી ગયો

મુંબઈ :છેલ્લાં બે મહિનાથી પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું એલપીજી (LPG) ગેસના વધતા ભાવોથી પરેશાન ત્યારે મુંબઈમાં  મધ્યરાત્રિ એટલે કે (14 જુલાઈ) CNG અને ઘરેલું પાઇપલાઇન ગેસ પણ મોંઘા થઈ ગયા છે. મહાનગર ગેસ લિમિટેડ દ્વારા બુધવારથી મુંબઈમાં CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 2 રૂપિયા 58 પૈસા અને ઘરેલુ પાઇપલાઇન ગેસના દરમાં પ્રતિ યુનિટ 55 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

મહાનગર ગેસ લિમિટેડે કિંમતોમાં વધારાનું કારણ પરિવહન અને અન્ય ખર્ચમાં વધારો ગણાવ્યો છે. CNGના આ વધેલા દરથી મુંબઈના લાખો ઓટો અને ટેક્સી ડ્રાઇવરો પર ખર્ચનો બોજો વધી ગયો છે અને ઘરેલુ પાઇપલાઇન ગેસના ભાવમાં વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

 

કિંમતોમાં વધારો થયા બાદ સીએનજીનો ભાવ હવે એક કિલોના 51.98 રૂપિયા પર પહોંચી ગયો છે. પાઇપલાઇન ઘરેલું ગેસમાં, સ્લેબ 1 માટે યુનિટ દીઠ 30.40 અને સ્લેબ 2 માટે યુનિટ દીઠ 36 રૂપિયા રહેશે. આ માહિતી કંપનીએ આપી છે. મહત્વનું છે કે, આ મહિનાના પ્રથમ દિવસે પેટ્રોલિયમ કંપનીએ ઘરેલું ગેસના 14.2 કિલો સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયા વધારો કર્યો હતો. વ્યાવસાયિક ઉપયોગ માટે વપરાતા 19 કિલો ગેસ સિલિન્ડર પણ 84 રૂપિયા મોંઘા થયા છે. હાલમાં મુંબઇમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ 834.50 રૂપિયા છે

(1:09 pm IST)