Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

રસીકરણનું લક્ષ્ય કેવી રીતે પુરૂ કરશે સરકાર???

રસીકરણમાં ૬૦ ટકાનો ઘટાડોઃ કેટલાય રાજયોમાં રસીની અછત

નવી દિલ્હી, તા.૧૪: ૨૧ જૂને દેશભરમાં રેકોર્ડ રસીકરણ પછી તેની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહયો છે. અત્યાર સુધીમાં લગભગ ૬૦ ટકાનો ઘટાડો નોંધાઇ ચુકયો છે. જણાવી દઇએ કે ૨૧ જૂન પછી રસી ખરીદવાનું કામ કેન્દ્રએ પોતાના હાથમાં લઇ લીધું હતું. અત્યારે કેટલાય રાજયો દ્વારા રસીની અછતની વાત થઇ રહી છે.

૨૧ જૂને લગભગ ૯૧ લાખ ડોઝ અપાયા હતા અને ૨૭ જૂન સુધીમાં લગભગ ૪ કરોડ ડોઝ લોકોને લગાવી દેવાયા હતા પણ એક અઠવાડીયા પછી ૫ થી ૧૧ જુલાઇ દરમ્યાન ફકત ૨.૩ કરોડ ડોઝ અપાયા હતા. જાન્યુઆરીમાં શરૂ થયેલ અભિયાન પછીથી અત્યાર સુધીમાં લગભગ ૩૮ કરોડ ડોઝ દેશમાં લગાવાઇ ચૂકયા છે. ૨૧ જૂન પછી એવું નકકી કરાયું હતું કે રોજ ૬૦ લાખ ડોઝ લગાવવામાં આવશે. પણ છેલ્લીવાર આ આંકડા સુધી ૩ જુલાઇએ જ પહોંચી શકાયુ હતું. વર્ષના અંત સુધીમાં બધા વયસ્કોને સંપૂર્ણ વેકસીનેટ કરવા માટે રોજ ૮૦ લાખ ડોઝ લગાડવા જરૂરી છે.

દેશના ઘણાં રાજયોમાં રસીની અછતનો સામનો કરવો પડે છે. મહારાષ્ટ્ર,  મધ્યપ્રદેશ, દિલ્હી, ઝારખંડ અને ગુજરાતમાં રસીની અછતની વાત સામે આવી છ. રાજસ્થાનના મુખ્યપ્રધાન ગેહલોતે ગઇકાલે કહયું કે કેન્દ્ર દ્વારા જરૂરિયાત મુજબનો રસીનો સપ્લાય ન થવાના કારણે લોકોને બીજો ડોઝ આપવામાં મોડું થઇ રહયું છે.

અરૂણાચલના મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ પણ મંગળવારે રાજયને કોરોના રસીનો સપ્લાય વધારવાની માંગણી કરી હતી જેમ કે રાજયમાં તેની ક્ષમતા અનુસાર રસીકરણ નથી થઇ શકતું. તો તામિલનાડુના મુખ્યપ્રધાન સ્તાલીને પણ ગઇકાલે વડાપ્રધાનને કહયું કે રાજયને તેની વસ્તીના પ્રમાણમાં કોરોના રસીના પુરતા ડોઝ નથી મળ્યા જેના કારણે રસીની અછત ઉભી થઇ છે. સ્તાલીને રસીના એક કરોડ ડોઝની માંગણી કરી છે.

(12:43 pm IST)