Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

મહામારીમાં મુનાફાખોરી : ઓકસીમીટર, નેબ્યુલાઇઝર જેવા સાધનો પર લેવાય છે ૭૦૯% સુધીનું માર્જીન : સરકારે બાંધી ૭૦% લીમીટ

બીજી લહેર સમયે Oximeter તેમજ અન્ય જરૂરી તબીબી સામાનમાં વેપારીઓ અને કંપનીઓએ લૂંટ આદરી હતી : જેના પર હવે સરકારે કડક નિર્ણય લઈને લગામ લગાવી છે

નવી દિલ્હી તા. ૧૪ : દેશમાં કોરોનાની બીજી લહેરે અનેક બદલાવ લાવી દીધા છે. બીજી લહેર દરમિયાન કેટલીક દવાઓ સાથે ઓકિસજનની તાણ પડી. આ સાથે જ ઓકિસમીટર અને થર્મોમીટર જેવા તબીબી સાધનો પણ આઉટ ઓફ સ્ટોક થઇ ગયા હતા. એટલું જ નહીં આ જરૂરી સામાનનો ભાવ આસમાને પહોંચી ગયો હતો. કંપનીથી માંડીને દુકાનદારો મનફાવે તેમ ભાવ લઇ રહ્યા હતા. અને મજબુરીમાં લોકો આપી પણ રહ્યા હતા.

પરંતુ હવે સરકારે આ સામાનને લઈને મોટો નિર્ણય લોધો છે. જેમાં ૫ જરૂરી મેડિકલ સાધનો પર નફાની ટકાવારી નક્કી કરવામાં અવી છે. હવે વેપારી તેટલા ટકાથી વધુ નફો નહીં લઇ શકે. જાહેર છે કે આનાથી તેના ભાવમાં નિયંત્રણ પણ આવશે. અને સામાન્ય જનતાના પરવડશે પણ ખરા.

ભારત સરકારની નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરીટી પલ્સ ઓકિસમીટર, બ્લડ પ્રેશર મશીન ઇન્ફ્રારેડ થર્મોમીટર ગ્લૂકોમીટર અને નેબુલાઈઝરની કિંમતો પર હવે લગામ કસી છે. નિયમ પ્રમાણે હવે આ સામાન પર ૭૦ ટકાથી વધુ નફો નહીં લઇ શકાય. અને તેનાથી વધુ કિંમતે નહીં વેચે શકાય. અત્યાર સુધી આ ઉપકરણો પર ૩ ટકાથી લઈને ૭૦૯ ટકાનું માર્જીન લેવામાં આવતું હતું.

આ લગામ લગાવવા માટે મંગળવારે DPCO દ્વારા ૨૦૧૩ ના પેરા ૧૯ હેઠળ વિશેષ શકિતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓર્ડરમાં જણાવવામાં આવ્યું હતું કે એનપીપીએ દ્વારા ઓકિસમીટર, ગ્લુકોમીટર, બીપી ટેસ્ટિંગ મશીન, નેબ્યુલાઇઝર અને ડિજિટલ થર્મોમીટરના ભાવ વ્યાજબી રહે તે માટે આ પગલું લેવાયું છે.

આ નિર્ણય અનુસાર મેડિકલ ડીવાઈઝ વેચનારને ૨૦ જુલાઈ સુધી નવા નિયમો પ્રમાણે MRP નક્કી કરવી પડશે. અને પાંચેય મેડિકલ ડીવાઈઝ વેચનાર ડિસ્ટ્રીબ્યુટરની કિંમતથી ૭૦ ટકાથી વધુ નફો નહીં લઇ શકાય. આ નિર્ણયથી સામાન્ય જનતાના માથેથી જરૂરી મેડિકલ સામાન ખરીદવાનો વધુ ભાર ઓછો થઇ શકે છે. તેમજ ૨૦ જુલાઈ સુધી MRP ના બદલનારા વેચાણકર્તાઓને ઓવર ચાર્જ એમાઉન્ટનો ૧૦૦ ટકા દંડ ૧૫ ટકા વ્યાજ સાથે આપવો પડશે.

ઉદાહરણ તરીકે તમને સમજાવીએ તો જો ઓકિસમીટર ડિસ્ટ્રિબ્યુટરને ૫૦૦ રૂપિયા ચુકવવા પડે છે, તો નવા નિયમ મુજબ તેની મહત્તમ કિંમત (એમઆરપી) ૮૭૫ રૂપિયા થશે. આ પાંચ તબીબી ઉપકરણોના ભાવો પર લગામ લાદવાનો એનપીપીએનો નિર્ણય ૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી લાગુ રહેશે.

(12:44 pm IST)