Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પાક.માં બસ બોંબ બ્લાસ્ટ : ૯ ચીની સહિત ૧૩ના મોત

પાકિસ્તાનના ઉત્તર રાજ્ય ખૈબર પખનુન્ખ્વામાં આતંકી હુમલો : ચીની ઇજનેરોને લઇ જતી બસમાં થયો બોંબ વિસ્ફોટ

ઇસ્લામાબાદ તા. ૧૪ : પાકિસ્તાનમાં મોટા પાયે થયેલા આંતકી હુમલામાં ૬ ચાઈનિઝ એન્જિનિયરો સહિત ૧૦ના મોત થયા છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર છે. મળતા અહેવાલો પ્રમાણે પાકિસ્તાનમાં એક ડેમનું બાંધકામ ચાલી રહ્યું છે અને તેમાં ચીનની કંપની પણ કામ કરી રહી છે. આમ આ ડેમના બાંધકામમાં ચાઈનિઝ નાગરિકો પણ સામેલ છે.

આજે ચાઈનિઝ નાગરિકો અને બીજા કર્મચારીઓ તથા સુરક્ષા કરી રહેલા સૈનિકો એમ ૩૦ લોકોને લઈ જઈ રહેલી બસમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં ૧૦ લોકોના મોત થયા છે. આ પૈકી ૬ ચાઈનિઝ એન્જિનિયર પણ છે. ઘાયલોની હાલત ગંભીર હોવાથી મરનારાઓનો આંકડો વધી શકે છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ છે કે ધમાકો એટલો ખતરનાક થયો હતો કે, બસ એક નાળામાં જઈને ખાબકી હતી અને ભારે નુકસાન થયુ હતું. એક ચીની નાગરિક અને એક જવાન ગાયબ પણ છે. તેમણે જણાવ્યુ હતું કે, રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સરકારી મશીનરી આ વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. જેથી ઘાયલ લોકોને જલ્દીથી હોસ્પિટલમાં પહોંચાડી શકાય. ઘાયલોની મદદ માટે એર એમ્બ્યુલન્સની મદદ પણ લેવાઈ રહી છે. આ બ્લાસ્ટમાં છ ચીની નાગરિક, એક અર્ધસૈનિક જવાન અને એક સ્થાનિક વ્યકિત માર્યો ગયો છે. જયારે કેટલાય લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે.

વિસ્ફોટકોની તિવ્રતા કેટલી હતી તેની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ખૈબર પખ્તૂનવામાં પાક સેના પર આતંકી હુમલો થયો હતો અને તેમાં પાક સેનાના કેપ્ટન અબ્દુલ બાસિત સહિત ૧૨ જવાનોના મોત થયા હતા અને બીજા ૧૫ જવાનો ઘાયલ થયા હતા. આ ઘટનાના ગણતરીના કલાકોમાં પાકિસ્તાનમાં બીજા આતંકી હુમલો થયો છે. જોકે બસ વિસ્ફોટ માટે કોણ જવાબદાર છે તે હજી સામે આવ્યુ નથી.

 દાસુ હાઈડ્રોઇલેકિટ્રક પ્રોજેકટ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) નો ભાગ છે, જે બેજિંગના બેલ્ટ અને રોડ પહેલ હેઠળ ૬૫ અબજ ડોલરની રોકાણ યોજના છે. જેનો હેતુ દક્ષિણ પાકિસ્તાનના ગ્વાદર સમુદ્ર બંદર સાથે પશ્યિમ ચીનને જોડવાનો છે. પાકિસ્તાની બાંધકામ કામદારો સાથે ચીનના એન્જિનિયરો ઘણા વર્ષોથી દાસો હાઇડ્રોઇલેકિટ્રક પ્રોજેકટ પર કામ કરી રહ્યા છે અને જયાં આ વિસ્ફોટ થયો છે.

બ્લાસ્ટ પછી બસ એક ખાડામાં ધસી ગઈ હતી અને ભારે નુકસાન થયું હતું. એક ચીની એન્જિનિયર અને એક સૈનિક ગુમ થયા છે. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને એર એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને બચાવવા માટે આખી સરકારી મશીનરી ગોઠવવામાં આવી છે, એક વરિષ્ઠ સરકાર અધિકારીએ નામ ન આપવાની શરતે રોઇટર્સને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે છ ચીની નાગરિકો, અર્ધસૈનિક અને એક સ્થાનિક લોકો માર્યા ગયા છે. કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

(3:10 pm IST)