Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

૨૦૨૪માં પણ મોદીનો મુકાબલો કોઇ નહી કરી શકે

શિવસેનાએ કરી મોદી સરકારની પ્રશંસા

નવી દિલ્હી તા. ૧૪ : વિપક્ષી એકતા માટે ચાલી રહેલા પ્રયાસો વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉત કહે છે કે વિપક્ષ પાસે હાલ કોઈ મોટો ચહેરો નથી.

સંજય રાઉતે કહ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મુકાબલો કરવા માટે વિપક્ષ પાસે કોઈ જ ચહેરો નથી. જયાં સુધી વિપક્ષની પાસે કોઈ મજબુત અને લોકપ્રિય ચહેરો ના હોય ત્યાં સુધી કોઈ સંભાવના નથી.

જોકે, શિવસેનાના સાંસદે એમ પણ કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલનામાં એનસીપીના પ્રમુખ શરદ પવાર શ્રેષ્ઠ ઉમેદવાર બની શકે છે. ૨૦૨૪ માં કોઈ મોટા ચહેરા વિના નરેન્દ્ર મોદીને હરાવવા મુશ્કેલ બનશે, શરદ પવાર આ માટે યોગ્ય પસંદગી છે.

શિવસેનાના સાંસદે કહ્યું કે, રાહુલ ગાંધી કોંગ્રેસના મોટા નેતા છે, પરંતુ હજી પણ તેમનાથી મોટા નેતાઓ હાજર છે. કોંગ્રેસમાં નેતૃત્વને લઈને સંકટ સર્જાયું છે, તેથી જ પક્ષ હજી સુધી પ્રમુખની પસંદગી કરી શકયો નથી.

પ્રશાંત કિશોર અંગે તેમણે જણાવ્યું કે, પ્રશાંત કિશોરે બંગાળમાં સારૃં કામ કર્યું છે, એવું તૃણમૂલ કોંગ્રેસનું માનવું છે. તૃણમૂલ કોંગ્રેસ અને પ્રશાંત કિશોર વચ્ચે સમજૂતી પણ થઈ હતી. સંજય રાઉતે કહ્યું કે, પ્રશાંત કિશોરે મહારાષ્ટ્રમાં કામ કર્યું હતું, અને મારી સાથે પણ કામ કર્યું હતું. સંજય રાઉતે કહ્યું કે, દેશના વિરોધ પક્ષને સાથે લાવવામાં હું મોટો ફાળો આપી શકું છું. જો કોઈ બિન-રાજકીય નેતા આવું કરે છે, તો દરેક વ્યકિત તેને માન્યતા આપે છે. વડા પ્રધાન મોદીનો ચહેરો ખૂબ મહત્વનો છે, પરંતુ કોરોનાની બીજી લહેર આવ્યા પછી, મોદીની લોકપ્રિયતામાં આંશિક ઘટાડો થયો છે; પરંતુ તે મોદી છે, આજે પણ વડા પ્રધાન મોદી દેશના સૌથી મોટા નેતા ગણાય છે.

 એવી અટકળો છે કે પ્રશાંત કિશોર સમગ્ર વિપક્ષોને એક કરવા પ્રયાસ કરી રહ્યા છે. થોડા સમય પહેલા પહેલા પ્રશાંત કિશોર અને શરદ પવારે ઘણી બેઠક કરી હતી. આ બેઠકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ઘ સંયુકત વિરોધ કરવાના પ્રયત્નો તરીકે જોવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, શિવસેના અને એનસીપી મહારાષ્ટ્ર સરકારમાં ભાગીદાર છે. તે પહેલાં જ સંજય રાઉતે શરદ પવારને વિપક્ષના મુખ્ય નેતા બનાવવાની હિમાયત કરી છે.

(3:26 pm IST)