Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પૂર્વ પ્રમુખ ઝુમાના સમર્થકોએ અનેક મોલ સળગાવી નાખ્યા

દ.આફ્રિકામાં ઝુમાને જેલમાં મોકલ્યા બાદ અરાજકતા : આફ્રિકામાં છેલ્લા અમુક દશકાઓમાં સૌથી ભીષણ હિંસા, પાંચ દિવસમાં ૭૨નાં મોત, સેંકડો લોકોની ધરપકડ

જૉહનિસબર્ગ, તા.૧૪ : દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જૈકબ ઝુમાને જેલમાં મોકલ્યા પછી ભીષણ હિંસા, લૂંટ અને આગજની શરુ થઈ ગઈ છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે સેના તૈનાત હોવા છતાં અથડામણ અને આગજનીની ઘટનાઓ ચાલુ છે. મંગળવારના રોજ ઝુમા સમર્થકોએ અનેક શૉપિંગ મોલ સળગાવી કાઢ્યા હતા. પાછલા પાંચ દિવસોથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધી ૭૨ લોકોએ જીવ ગમાવ્યા છે અને સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, દક્ષિણ આફ્રિકામાં પાછલા અમુક દશકાઓમાં સૌથી ભીષણ હિંસા છે. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, પ્રદર્શન શરુ થયા ત્યારથી લઈને અત્યાર સુધી ૭૨ લોકો માર્યા ગયા છે. મોટાભાગના લોકો દુકાનો લૂટંતી વખતે થયેલી ભાગદોડમાં માર્યા ગયા છે. સૌથી વધારે હિંસા ગાઉતેંગ અને ક્વાઝુલુ નટાલ વિસ્તારોમાં થઈ રહી છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ અને સેના અશાંતિ રોકવાના પ્રયાસ કરી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, ગાઉતેંગ અને ક્વાઝુલુ નટાલ વિસ્તારોમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા, અહીં લોકોએ દુકાનોમાંથી ખાણીપીણીની વસ્તુઓ, ઈલેક્ટ્રિક સાધનો, દારુ અને કપડાની ચોરી પણ કરી. ઉલ્લેખનીય છે કે કોર્ટની અવમાનનાના કેસમાં ઝુમાને ગુરુવારના રોજ ૧૫ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી, ત્યારપછી હિંસા ભડકી ઉઠી હતી. ગાઉતેંગ વિસ્તારના પ્રીમિયર ડેવિડ મખુરાએ જણાવ્યું કે, અસામાજિક તત્વોએ સ્થિતિનો લાભ ઉઠાવ્યો. ૪૦૦થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ સ્થિતિ હજી નિયંત્રણમાં નથી આવી. હિંસાની ચપેટમાં જોહનિસબર્ગ અને ડર્બન જેવા શહેર પણ આવી ગયા છે.

તેમણે આગળ જણાવ્યું , અમે સમજી શકીએ છીએ કે જે લોકો પાસે રોજગાર નથી તેમની પાસે પૂરતું ભોજન નથી. અમે સમજી શકીએ છીએ કે મહામારીને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. પરંતુ પ્રકારની હિંસા અને લૂંટ વેપારને વધારે નુકસાન પહોંચાડશે. મંગળવારના રોજ પણ જોહનિસબર્ગના શોપિંગ મોલમાં લૂંટ થઈ હતી. દુકાનોમાં લૂંટ અને આગજનીને કારણે અનેક વેપારીઓએ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે.

(7:43 pm IST)