Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

લાંચમાં જબ્બે ઈન્સપેક્ટરને નોકરી પર પરત લેવાયા

કમિશનર ઓફિસે વાંધો ઊઠાવ્યા છતાં ચોંકાવનારું પગલું : લાંચ કેસમાં કસૂરવાર આનંદ ભોઈરે સામે એસીબીમાં કેસ પેન્ડિંગ છતાં મહારાષ્ટ્ર સરકારે તેમને પાછા લીધા

મુંબઈ, તા.૧૪ : એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા ૨૨ લાખ રુપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા ઈન્સ્પેક્ટરને કમિશનર ઓફિસે વાંધો ઉઠાવ્યો હોવા છતાંય નોકરી પર પરત લઈ લેવાયા છે. ઈન્સ્પેક્ટર ૨૦૧૯માં લાંચ લેતા ઝડપાયા હતા, ત્યારબાદ તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવી હતી. જેમાં તેઓ કસૂરવાર ઠરતાં તેમને નોકરીમાંથી ડિસમિસ કરાયા હતા.

જોકે, કમિશનરના નિર્ણય સામે તેમણે ગૃહમંત્રીને અપીલ કરી હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા આનંદ ભોઈરેએ મુંબઈમાં વાઈન શોપ ચલાવતા ગુજરાતી વેપારી અશોક પટેલને ગેરકાયદે રીતે દારુ આયાત કરવાના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી ૨૫ લાખની ડિમાન્ડ કરી હતી. રકઝક બાદ આખરે ૨૨ લાખ રુપિયામાં સોદો નક્કી થયો હતો.

જોકે, અશોક પટેલે મામલે એસીબીને જાણ કરી દેતા આનંદ ભોઈરેને ઝડપી લેવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. પ્લાન અનુસાર અંધેરીમાં એક ગાડીમાં ઈન્સેપક્ટર ભોઈરેએ લાંચ સ્વીકારી હતી અને તે વખતે એસીબીએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની વિરુદ્ધ લાંચનો કેસ હજુય એસીબી કોર્ટમાં પેન્ડિંગ છે.

સપ્ટેમ્બર ૨૦૧૯માં મુંબઈના તત્કાલિન પોલીસ કમિશનર સંજય બારવેએ ડિપાર્ટમેન્ટલ ઈક્નવાયરીમાં આનંદ ભોઈરે દોષિત સાબિત થતા તેમને નોકરીમાંથી ડિસમિસ કરી દીધા હતા. જોકે, તેની સામે ભોઈરેએ ગૃહમંત્રીને અપીલ કરી હતી.

૨૦૧૯માં શિવસેના-ભાજપની મહારાષ્ટ્રમાં સરકાર હતી તે વખતે તેમને નોકરી પર પરત લેવાની પ્રક્રિયા શરુ કરાઈ હતી, પરંતુ કમિશનર ઓફિસે વાંધો લેતા તેના પર બ્રેક વાગી ગઈ હતી. આખરે હાલ સત્તામાં રહેલી ઉદ્ધવ ઠાકરેની ગઠબંધન સરકારે વર્ષે મે મહિનામાં આનંદ ભોઈરેને નોકરી પર પરત લેવાનો આદેશ કર્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ ત્યારે ભોઈરેની ફાઈલને પણ ફરી ખોલવામાં આવી હતી. તેનો રિવ્યૂ કર્યા બાદ તેમને નોકરી પર પરત લેવા પર મૂકવામાં આવેલા સ્ટેને ઉઠાવી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ખાતાકીય તપાસમાં ભોઈરેએ અંગત ફાયદા ખાતર આરોપીને લાભ આપવાના આરોપમાં કસૂરવાર સાબિત થયા હતા. ત્યારબાદ તેમને બોમ્બે પોલીસ રુલ્સ, ૧૯૫૬ અંતર્ગત ડિસમિસ કરાયા હતા.

પોતાને નોકરીમાંથી ડિસમિસ કરવાના પોલીસ કમિશનરના નિર્ણય સામે ગૃહમંત્રીને અપીલ કરતા ભોઈરેએ દાવો કર્યો હતો કે તેમને ખોટી રીતે નોકરીમાંથી હાંકી કઢાયા છે. લાંચ લેવાના આધાર પર તેમને ડિસમિસ કરી શકાય, ઘણા સરકારી કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે અને તમામને નોકરીમાંથી રુખસદ ના આપી શકાય. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ મુંબઈ અને થાણે પોલીસમાં કાર્યરત હતા તે દરમિયાન તેમણે અનેક સંવેદનશીલ કેસો ઉકેલ્યા છે અને તેમનો ટ્રેક રેકોર્ડ ઘણો સારો છે.

હાલ ભોઈરેને ઈસ્ટર્ન રિજિયન કંટ્રોલ રુમમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા મામલે તેમનો પક્ષ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કંઈપણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો. બીજી તરફ, જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (એડમિન) રાજકુમાર વાટકરે ગૃહ વિભાગના આદેશ બાદ ભોઈરેને નોકરી પર પરત લેવાયા હોવાનું જણાવી અંગે વધુ કંઈ બોલવાનો ઈનકાર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારનો ગૃહ વિભાગ અને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘ ૧૬ વર્ષના સસ્પેન્શન બાદ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેને નોકરીમાં પરત લેવા બદલ ટીકાને પાત્ર બન્યા હતા. એન્ટિલિયા કેસમાં મુકેશ અંબાણીના ઘર આગળ વિસ્ફોટકો ભરેલી ગાડી મૂકવામાં સચિન વાઝેનો હાથ હોવાનું બહાર આવતા તેમજ મનસુખ હિરેન મર્ડર કેસમાં તેમની સંડોવણી ખૂલતા તેમને નોકરીમાંથી રુખસદ આપવામાં આવી છે અને હાલ તેઓ જેલમાં છે.

(7:45 pm IST)