Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ટોક્યો ઓલમ્પિક : ખેલાડીને ગળામાં મેડલ નહી પહેરાવાય : મેડલ પ્રદાનને લઇને મોટો ફેરફાર : કોરોનાને કારણે બદલાવ

ખેલાડીઓ હવે જાતે જ પોતાના ગળામાં મેડલ પહેરવો પડશે: ટ્રે લઇને જે પણ વ્યક્તિ આવશે તે સુરક્ષિત ગાઇડ લાઇનનુ પાલન કરશે : સમારોહ દરમ્યાન કોઇ પણ એક બીજાને હાથ નહી મિલાવી શકે

નવી દિલ્હી :કોરોના વાયરસે રમત જગતની અનેક ખુશીને પળોને છીનવી લીધી છે. જેના માટે બાળપણથી લઇને યુવાની સુધી સંઘર્ષ કર્યો હોય, તે સંઘર્ષના પરીણામોને પણ કોરોનાએ પ્રભાવિત કર્યો છે. ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષે જાહેર કર્યુ છે કે, પારંપારિક મેડલ એનાયત સમારોહમાં મહત્વનો ફેરફાર કરવામા આવ્યો છે. ટોક્યો ઓલિમ્પિક દરમ્યાન ખેલાડીઓને મેડલ પહેરાવવામાં નહી આવે.

કોરોના વાયરસથી ખેલાડીઓને સુરક્ષીત રાખવાનુ કારણ ધરીને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એ આ મહત્વનો ફેરફાર કર્યો છે. જેને લઇ હવે ખેલાડીઓના ગળામાં મેડલ પહેરાવવામાં નહી આવે. પરંતુ ખેલાડીઓ હવે જાતે જ પોતાના ગળામાં મેડલ પહેરવો પડશે.

IOC અધ્યક્ષ થોમસ બાક)એ જણાવ્યું કે મેડલ ને ગળામાં પહેરાવીને નહી આપવામા આવે. જેના બદલે વિજેતા ખેલાડીને એક ટ્રે માં મેડલ રજૂ કરવામાં આવશે. જેને મેળવીને એથલેટ પોતાના ગળામાં જાતે જ પહેરશે. ટ્રે લઇને જે પણ વ્યક્તિ આવશે તે સુરક્ષિત ગાઇડ લાઇનનુ પાલન કરશે. તેમજ ગ્લોવ્ઝ પહેરીને જ મેડલને ટ્રે માં મુકવામાં આવ્યા હશે.

સામાન્ય રીતે અત્યાર સુધી ઓલિમ્પિક રમતો દરમ્યાન વિજેતા ને મેડલ, ગળામાં પહેરાવાતો હોય છે. જે પળ ખેલાડીને માટે ખૂબ જ મહત્વની હોય છે. મેડલને ઓલિમ્પિક સંઘના સભ્ય અથવા ટોચના અધિકારીઓ દ્વારા પહેરાવવામાં આવતા હોય છે. જે પળે ખેલાડી અને મેડલ વિજેતા દેશ ખૂબ જ ગૌરવ ભેર માણતી હોય છે.

આ ઉપરાંત આંતર રાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ થોમસ બાકે કહ્યુ હતુ કે, સમારોહ દરમ્યાન કોઇ પણ એક બીજાને હાથ નહી મિલાવી શકે. સાથે જ કોઇપણ વ્યક્તિ એક બીજાને ગળે પણ નહી મળી શકે. આમ ઓલિમ્પિક દરમ્યાન કોરોના વાયરસને લઇને સુરક્ષાના કારણોસર અનેક મહત્વના બદલાવ જોવા મળશે.

(8:17 pm IST)