Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

સેન્સેક્સમાં ૧૩૪, નિફ્ટીમાં ૪૨ પોઈન્ટનો ઊછાળો આવ્યો

બજારમાં સપ્તાહના ત્રીજા સત્રમાં તેજીનો માહોલ : ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક, ઈન્ફોસિસ અને એલએન્ડ ટીના શેર લીલા નિશાન પર બંધ થયા હતા

મુંબઈ, તા.૧૪ : સપ્તાહના ત્રીજા કારોબારી દિવસ એટલે કે બુધવારે ૧૪ જુલાઈએ શેર બજાર વૃધ્ધિ સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સે આજે ૧૩૪.૩૨ પોઈન્ટ એટલે કે ૦.૨૫ ટકાની વૃધ્ધિ સાથે ૫૨,૯૦૪.૦૫ના સ્તર પર બંધ થયો હતો. તો બીજી બાજુ નિફ્ટી ૪૧.૬૦ પોઈન્ટ એટલે કે ૦.૨૬ ટકાની વૃધ્ધિ સાથે ૧૫,૮૫૩.૯૫ના સ્તર પર બંધ થયું હતું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૨.૬ પોઈન્ટ નીચે ૫૨,૭૬૭.૧૩ના સ્તરે પર ખુલ્યું હતું. નિફ્ટી ૩.૬૫ પોઈન્ટની સામાન્ય ગિરાવટ સાથે ૧૫,૮૦૮ના સ્તર પર રખુલ્યું હતું.

આજના મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક, ઈન્ફોસિસ અને એલએન્ડ ટીના શેર લીલા નિશાન પર બંધ થયા. તો બીજી બાજુ અદાણી પોર્ટસ, મારુતિ, હિંદુસ્તાન યૂનિલિવર, નેસ્લે ઈન્ડિયા અને ટાઈટનના શેર લાલ નિશાન પર બંધ થયા. મંગળવારે શેર બજાર લીલા નિશાન પર બંધ થયું. સેન્સેક્સ ૩૯૭.૦૪ પોઈન્ટની ઉપર ૫૨,૭૬૯.૭૩ના સ્તર પર બંધ થયો. તો બીજી બાજુ નિફ્ટી ૧૧૯.૭૫ પોઈન્ટની વૃધ્ધિ સાથે ૧૫,૮૧૨.૩૫ના સ્તર પર બંધ થયો હતો.

એમકે ગ્લોબલ ફાઈનેશિયલ સર્વિસિસના વેચાણ કારોબારના પ્રમુખ એસ હરિહરને કહ્યું કે સંસ્થાગત ભાગીદારી દર ઘટવાનો બજારમાં રોજે-રોજના કારોબારની માત્રામાં ૨૦ ટકા ગિરાવટમાં કેટલોક હિસ્સો છે. જોકે, વાયદા વિભાગમાં હોલસેલ ભાગીદારી મજબૂત થઈ છે. તેમણે કહ્યું કે આ ઉપરાંત રોકાણકારોએ જોમેટો, તત્વ ચિંતન અને ક્લીન સાયન્સના આઈપીઓમાં ખૂબજ રસ બતાવ્યો છે જેનાથી દ્વીતીયક બજારમાં પ્રવાહ થોડો ઓછો થયો છે. અન્ય એશિયન બજારોમાં ચીનના શાંઘાઈ કોમ્પોઝિટ, દક્ષિણ કોરિયાના કોસ્પી, હોંગકોંગના હેંગસેંગ તથા જાપાનના નિક્કીમાં ગિરાવટ આવી હતી. બપોરના કારોબારમાં યુરોપિયન બજાર નુકશાનમાં રહ્યા હતા. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ કાચું ઓઈલ ૦.૮૨ ટકાના નુકશાન સાથે ૭૫.૮૬ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે.

(8:35 pm IST)