Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

નંદીગ્રામ ચૂંટણી : મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં અરજી કરતા સુવેન્દુ અધિકારીને નોટિસ ફટકારી

ચૂંટણી સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ સુરક્ષિત રાખવાના આદેશ

કોલકતા પશ્ચિમ બંગાળના નંદીગ્રામ બેઠક પર વિધાનસભા ચૂંટણીની પરિણામને લઇને કોલકાતા હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. મુખ્યમંત્રી મમતા બેનરજી તરફથી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી નંદીગ્રામમાં મતની ગણતરી પર સવાલ ઉઠાવ્યા હતા અને ફરી મતગણતરીની માંગ કરવામાં આવી હતી.

આ અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે ભાજપ નેતા સુવેન્દુ અધિકારીને એક નોટિસ ફટકારી છે. સાથે જ કહેવામાં આવ્યુ છે કે હવે આ મામલે આગામી સુનાવણી 12 ઓગસ્ટ 2021માં થશે.

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનરજીએ ચૂંટણી લડી હતી પરંતુ ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા સુવેન્દુ અધિકારીએ તેમણે હરાવ્યા હતા. પરિણામો બાદ મમતાએ મતની ગણતરીને લઇને સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યુ હતું કે આ ઘટનાને તે કોર્ટ સુધી લઇને જશે.

મમતા બેનરજીની આ અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ શંપા સરકારની સિંગલ બેંચે નંદીગ્રામ બેઠક પરથી તમામ દસ્તાવેજ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યુ કે, જ્યાર સુધી આ મામલે સુનાવણી ચાલી રહી છે ત્યાર સુધી ઇલેક્શન ડૉક્યુમેન્ટ, વીડિયો રેકોર્ડિગ અને તમામ રીતના અન્ય કાગળ સુરક્ષિત રાખવા કહ્યુ છે.

આ દરમિયાન મમતા બેનરજી તરફથી કોર્ટમાં હાજર રહેલા વકીલે જણાવ્યુ કે તેમણે ક્યા આધાર પર આ અરજી દાખલ કરી છે. સાથે જ તેમણે કોર્ટને એમ પણ જણાવ્યુ કે અરજી કરનાર ખુદ પણ કોર્ટમાં ઉપસ્થિત થઇ શકે છે. જ્યારે જજે પૂછ્યુ કે શું ગત સુનાવણી દરમિયાન અરજી કરનાર કોર્ટમાં હાજર હતા, તો મમતાના વકીલે કહ્યુ કે, હાં ગત સુનાવણીમાં તે કોર્ટમાં હાજર હતા.

આ પહેલા મમતા બેનરજીની આ અરજી પર જસ્ટિસ કૌશિક ચંદે સુનાવણી કરવાની હતી પરંતુ આ વચ્ચે ટીએમસીના નેતાઓએ તેમની એક તસવીર વાયરલ કરી હતી, જેમાં તે ભાજપના નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. મમતા બેનરજીએ ખુદ આરોપ લગાવ્યો હતો કે જસ્ટિસ ચંદના ભાજપ સાથે નજીકના સબંધ છે. જે બાદ તેમણે કેસમાંથી હટવુ પડ્યુ હતું. હવે આ ઘટનાની સુનાવણી જસ્ટિસ શંપા સરકારની સિંગલ બેંચ કરી રહી છે.

(9:17 pm IST)