Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ઇઝરાયેલી રાજધાનીમાં વહેલી સવારે જેરૂસલેમના ઓલ્ડ સિટી નજીક એક બંદૂકધારીએ એક બસ પર કર્યો ગોળીબારઃ ૮ જેટલા લોકોને ઇજા

આ હુમલો ત્યારે થયો જ્યારે બસ જેરુસલેમની વેસ્ટર્ન વોલ પાસે પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી. જે યહુદી ધર્મનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે.

નવી દિલ્‍હીઃ રવિવારે વહેલી સવારે જેરૂસલેમના ઓલ્ડ સિટી નજીક એક બંદૂકધારીએ એક બસ પર ગોળીબાર કર્યો હતો, જેમાં આઠ ઇઝરાયેલીઓ ઘાયલ થયા હતા. આ શંકાસ્પદ પેલેસ્ટિનિયન હુમલો ગાઝામાં ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદીઓ વચ્ચે હિંસા ફાટી નીકળ્યાના એક અઠવાડિયા પછી થયો છે. ઈજાગ્રસ્તોની સારવાર કરી રહેલી ઈઝરાયેલની હોસ્પિટલોના જણાવ્યા અનુસાર ઈજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર છે. આ હુમલો ત્યારે થયો જ્યારે બસ જેરુસલેમની વેસ્ટર્ન વોલ પાસે પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી. જે યહુદી ધર્મનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે.

ઈઝરાયેલ પોલીસે કહ્યું કે, ઘટનાની તપાસ શરૂ કરવા માટે એક ફોર્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ઈઝરાયેલના સુરક્ષા દળોએ પણ શંકાસ્પદ હુમલાખોરનો પીછો કર્યો હતો. જેરૂસલેમમાં હુમલા બાદ ગાઝા અને પશ્ચિમ કાંઠે ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયનો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ગયા સપ્તાહના અંતમાં, ઇઝરાયેલી વિમાનોએ ગાઝા પટ્ટીમાં આતંકવાદી જૂથ ઇસ્લામિક જેહાદને નિશાન બનાવીને ત્રણ દિવસનો ભયાનક હુમલો કર્યો. ઈસ્લામિક જેહાદે હવાઈ હુમલાનો બદલો લેવા માટે સેંકડો રોકેટ છોડ્યા હતા. ઈઝરાયેલના હુમલામાં બે ઈસ્લામિક જેહાદ કમાન્ડર અને અન્ય આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ લડાઈમાં 17 બાળકો અને 14 આતંકવાદીઓ સહિત 39 પેલેસ્ટિનિયન માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા હતા.

ઇજિપ્તની મધ્યસ્થી બાદ આ સંઘર્ષ યુદ્ધવિરામ સાથે સમાપ્ત થયો. આ યુદ્ધમાં કોઈ ઈઝરાયેલ નાગરિક મૃત્યુ કે ગંભીર ઈજા થઈ ન હતી. ગાઝાનું નિયંત્રણ કરનાર સંગઠન હમાસ આ લડાઈથી દૂર રહ્યું. ગાઝામાં એક વર્ષથી વધુ સમયથી ફાટી નીકળેલી હિંસાના સૌથી ખરાબ તબક્કાને રોકવા માટે યુદ્ધવિરામના એક દિવસ પછી ઇઝરાયેલી સૈનિકોએ ત્રણ પેલેસ્ટિનિયન આતંકવાદીઓને માર્યા. પશ્ચિમ કાંઠાના શહેર નાબ્લસમાં ધરપકડ કરવા માટે દરોડા દરમિયાન ગોળીબારમાં આ મૃત્યુ થયા છે.

(1:06 pm IST)