Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

બિહારમાં કોંગ્રેસના રાજ્ય પ્રભારી ભક્ત ચરણ દાસનો દાવો : કહ્યું - કોંગ્રેસના બે MLA 16 ઓગસ્ટે મંત્રી તરીકે શપથ લેશે

આગામી કેબિનેટ વિસ્તરણમાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનો સમાવેશ કરવામાં આવશે- ભક્ત ચરણ દાસ : કોંગ્રેસને કુલ ત્રણ મંત્રી પદ મળી શકે

પટના તા.14 : બિહારમાં નવી સરકાર બની છે. નવી સરકારમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી છે. તેજસ્વી યાદવ હાલમાં જ ડેપ્યુટી સીએમ બન્યા છે. ત્યારે બિહારમાં કોંગ્રેસના રાજ્ય પ્રભારી ભક્ત ચરણ દાસે દાવો કર્યો છે કે નીતીશ કુમારની નવી સરકારમાં કોંગ્રેસને ત્રણ મંત્રી પદ મળી રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના બે ધારાસભ્યો 16 ઓગસ્ટે મંત્રી તરીકે શપથ લેશે.

ભક્ત ચરણ દાસે એમ પણ કહ્યું કે આગામી કેબિનેટ વિસ્તરણમાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનો સમાવેશ કરવામાં આવશે. બિહાર કોંગ્રેસના પ્રભારીએ કહ્યું કે, બિહારમાં ગઠબંધન સરકારમાં કોંગ્રેસ માટે મંત્રી પદો નક્કી કરવામાં આવ્યા છે. કોંગ્રેસને કુલ ત્રણ મંત્રી પદો મળશે." દાસે કહ્યું કે કોંગ્રેસ તરફથી ધારાસભ્ય મંત્રી કોણ બનશે, તે નક્કી કરવાનું બાકી છે. તેમણે કહ્યું કે સોમવારે નીતિશ કુમારની કેબિનેટમાં કોણ શપથ લેશે તે અંગે પાર્ટી ધારાસભ્યોના નામ નક્કી કરશે. સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસ કેબિનેટમાં ચાર પદની માંગ કરી રહી છે.

સૂત્રોના હવાલાથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એક મંત્રી પદ જીતન રામ માંઝીની પાર્ટીને જઈ શકે છે. આ માટે તેમના પુત્ર MLC સંતોષ સુમનના નામની ચર્ચા છે. કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર બિહારનું ગૃહ મંત્રાલય હંમેશાની જેમ પોતાની પાસે રાખવા જઈ રહ્યા છે. તે જ સમયે, બિહાર વિધાનસભા અધ્યક્ષનું પદ આરજેડીના ખાતામાં જઈ શકે છે.

તમને જણાવી દઈએ કે સોમવારે 16 ઓગસ્ટે બિહારની નવી મહાગઠબંધન સરકારની કેબિનેટની રચના થઈ શકે છે. નીતીશ કુમાર કેબિનેટના મંત્રીઓ આ દિવસે શપથ લેશે. નીતિશ કુમારે તાજેતરમાં જ ભાજપ સાથે રાજકીય સંબંધો તોડી નાખ્યા અને મહાગઠબંધનમાં જોડાયા અને બિહારમાં એક સમયે કટ્ટર હરીફ આરજેડી સાથે સરકાર બનાવી.

નીતીશ કુમાર ફરી એકવાર જે મહાગઠબંધનનો ભાગ બન્યા છે તેમાં સાત પક્ષો સામેલ છે. JDU, RJD, કોંગ્રેસ, CPIMLL, CPI, CPIM અને હિન્દુસ્તાની આવામ મોરચા મહાગઠબંધનનો ભાગ છે. 243 સભ્યોની વિધાનસભામાં તમામ મળીને કુલ 160 ધારાસભ્યો છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે.

 

(11:49 pm IST)