Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ટીમ ઈન્ડિયાની રોટેશન પોલિસી પર સલમાન બટ્ટ ફીદા ! : રોહિત-દ્રવિડની રણનીતિનાં ભરપેટ વખાણ કર્યા !

ભારતીય ટીમની રોટેશન પોલિસી ખૂબ સારી છે તેનાથી ખેલાડીઓને આરામ મળી રહ્યો છે સાથે જ બેંચ સ્ટ્રેન્થને પારખવાનો ચાન્સ મળી રહ્યો છે : સલમાન બટ્ટ

નવી દિલ્લી તા.14 : પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓપનર સલમાન બટ્ટે ટીમ ઈન્ડિયાની રોટેશન પોલિસીની પ્રશંસા કરતા તેના દેશના ક્રિકેટ બોર્ડની ટીકા કરી છે. તેણે કહ્યું છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડ રોટેશન પોલિસી હેઠળ માનવ સંસાધનમાં વધારો કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેને વધુ આવરી લેવામાં વ્યસ્ત છે.

વર્ક લોડ મેનેજમેન્ટને જોતા ભારતીય ટીમે છેલ્લા કેટલાક સમયમાં ઘણા પ્રયોગ કર્યા છે. છેલ્લા 6 મહિનામાં અડધો ડઝન કેપ્ટન બદલી દેવામાં આવ્યા છે, કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવી રહ્યો છે. T20 વર્લ્ડ કપ અગાઉ આ પ્રકારની રણનીતિએ ઘણા લોકોને કન્ફ્યુઝ કર્યા છે, પરંતુ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે ભારતીય ટીમના આ અંદાજના વખાણ કર્યા છે.

સલમાન બટ્ટનું કહેવું છે કે ભારતીય ટીમની રોટેશન પોલિસી ખૂબ સારી છે તેનાથી ખેલાડીઓને આરામ મળી રહ્યો છે સાથે જ બેંચ સ્ટ્રેન્થને પારખવાનો ચાન્સ મળી રહ્યો છે. તેનાથી ખેલાડીઓને પોતાની કેર કરવાનો ચાન્સ મળે છે, સાથે જ કરિયર પણ લાંબુ જતું રહેશે. સલમાન બટ્ટે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, મને લાગે છે કે રોટેશન પોલિસી હવે ભારતીય ટીમ માટે નોર્મલ થઈ ગઈ છે કેમ કે દરેક સીરિઝમાં અલગ અલગ ખેલાડી રમી રહ્યા છે. સીનિયર ખેલાડીઓને આરામ મળે છે, તો યુવાનોને ચાન્સ મળતો જાય છે. તેનાથી ઘણી વખત પડકાર ઊભા થાય છે, પરંતુ બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત થઈ જાય છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે કહ્યું કે માત્ર ખેલાડીઓને જ નહીં, પરંતુ કોચિંગ સ્ટાફ સાથે પણ એમ થઈ રહ્યું છે.

ઝિમ્બાબ્વેમાં જે પ્રકારે રાહુલ દ્રવિડની જગ્યાએ વી.વી.એસ. લક્ષ્‍મણ જઈ રહ્યા છે, એ પણ એક પ્રકારનો આરામ મળી રહ્યો છે. આગળ જઈને આ પ્રકારની વસ્તુને વધારી શકે છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જેવા ફોર્મેટ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી રાહુલ દ્રવિડ ભારતીય ટીમના કોચ બન્યા છે, ત્યારબાદ જ ભારતીય ટીમમાં રોટેશન પોલિસીને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. રોહિત શર્મા અત્યારે ટીમનો રેગ્યુલર કેપ્ટન છે, પરંતુ તેના સિવાય પણ રિષભ પંત, કે.એલ. રાહુલ, શિખર ધવન, જસપ્રીત બૂમરાહ, હાર્દિક પંડ્યા જેવા ખેલાડી પણ ટીમની કેપ્ટન્સી સાંભળી ચૂક્યા છે, એવું રોટેશન પોલિસીના કારણે જ થયું છે.

સલમાન બટ્ટને લાગે છે કે એશિયા કપ અગાઉ હેડ કોચ રાહુલ દ્રવિડનું બ્રેક લેવું વધુ શાનદાર છે. તેણે કહ્યું કે, હવે તે NCA સ્ટાફ સાથે આગળ વધી રહ્યા છે. હેડ વી.વી.એસ. લક્ષ્‍મણ ઝિમ્બાબ્વેમાં ટીમના હેડ કોચ છે એટલે દ્રવિડને પણ આરામ મળી ગયો. માનવ સંસાધન વધવા સાથે ભારતીય ક્રિકેટ ટીમમાં માનવ વિકાસ થઈ રહ્યો છે જે શાનદાર છે. ભારત 18 ઑગસ્ટે હરારેમાં 3 વન-ડે મેચોની સીરિઝ શરૂ કરશે અને પહેલી મેચમાં હરારેમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ મેચ રમશે. સીરિઝમાં કે.એલ. રાહુલ કમબેક કરશે, તે કેપ્ટનની ભૂમિકા ભજવતો નજરે પડશે.

(11:55 pm IST)