Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ભાજપને ચિંતા, ૨૨ની નહીં, ૨૪ની છે તેનો મૂલાધાર મધ્યમવર્ગ વિમુખ બની રહ્યો છે

રૂપાણી જતાં ભાજપી મુખ્યમંત્રીઓમાં ફફડાટ : ચોથા મુખ્યમંત્રી છે જેમણે પદ ત્યાગ કરવું પડયું છે : પં.બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિળનાડુ અને કેરળ હાથમાં નથી, સૌથી જૂનો સાથી શિવસેના વિપક્ષમાં છે

નવી દિલ્હી તા. ૧૪ : ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીનાં રાજીનામાંએ ભૂકંપ સર્જી દીધો છે તે સાથે ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. રૂપાણી, ભાજપના એવા ચોથા મુખ્યમંત્રી છે કે જેમને રાજીનામું આપવું પડયું છે. કહેવાય છે કે રાજય વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીને લક્ષમાં રાખી વિજય રૂપાણીનું રાજીનામું માગી લેવાયું છે. એમ પણ કહેવાય છે કે રાજયની પ્રબળ પટેલ લોબીને લક્ષમાં રાખી રૂપાણીએ જવું પડયું છે. જે ગુજરાતના નવા મુખ્યમંત્રી 'પસંદગી' ઉપરથી જાણી શકાય છે. અહીં વરણી માત્ર હાઈકમાન્ડની પસંદગી ઉપર આધારિત હતી તે ધ્યાનમાં રહે.

ગુજરાત નરેન્દ્ર મોદીનું 'હોમ-સ્ટેટ' હોવાથી ભાજપ અહીં જબ્બર બહુમતી મેળવી સિક્કો પાડી દેવા માગે છે. અહીં કોંગ્રેસ આંતરિક વિખવાદોને લીધે નિર્બળ છે. છતાં ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભીંસ શા માટે પડી રહી ગઈ? માંડ માંડ બહુમતી માટેનો મેજિક-આંક વટાવી શકાયો. કારણ શું?

જવાબ સીધો અને સાદો છે. ભાજપનો મૂલાધાર મધ્યમ વર્ગ છે. તેમાં પ્રમાણમાં વધુ શિક્ષણ પ્રાપ્ત કરનારા અને ઠીક ઠીક આવક ધરાવનારાઓ સમાવિષ્ટ છે. તેણે પૂર્વેની કેન્દ્રની કોંગ્રેસ-સરકારમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર અને કોંગ્રેસના સાથી પક્ષોએ કરેલી લૂંટફાટ જોઈ ભાજપને સાથ આપ્યો. આ વર્ગ સૌથી વધુ બોલકો વર્ગ છે. તેનાથી દોરવાઈ ગરીબ વર્ગે પણ ભાજપને મત આપ્યા. પરિણામે, લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિજયી થયો. ભાજપ તરફ તે વર્ગ વળ્યો, તેનું મહત્વનું કારણ તો તે સમયે ફાટી નીકળેલી મોંઘવારી હતું. દિલ્હીનાં તે સમયનાં મુખ્યમંત્રી શીલા દિક્ષીત બોલી ઉઠયા હતાં.

આ પરિસ્થિતિ અત્યારે પણ ઉપસ્થિત થઈ છે. સ્વીકાર્ય છે કે તે માટે ભાજપને સીધી રીતે જવાબદાર ન જ ગણી શકાય. પરંતુ જનસામાન્યને તે સમજાવવું અસંભવ સમાન છે. બીજી તરફ પ.બંગાળ, ઓડીશા, આંધ્ર, તમિળનાડુ કે કેરલ તો તેના હાથમાં નથી જ. ભાજપનો સૌથી જૂનો સાથી પક્ષ શિવસેના પણ વિપક્ષમાં છે. ૨૪ની લોકસભાની ચૂંટણીમાં તે રાજયોના શાસક પક્ષો સામે લડવાનું મુશ્કેલ બને તેમ છે. ત્યાં પણ મધ્યમવર્ગ સતત વધી રહેલી મોંઘવારીથી તંગ છે. તેમાં વધી રહેલી બેકારીએ તેને ભીંસમાં લીધો છે.

વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો, માત્ર સરકારી નોકરોને રાહત છે. તેમનાં મોંઘવારી ભથ્થાં વધતા જ જાય છે. પરંતુ દેશમાં સરકારી નોકરો કેટલા કેન્દ્ર સરકારમાં ૫૦ લાખ પગારદારો છે. અન્ય રાજયોના મળી ચારેક કરોડ સરકારી કે અર્ધસરકારી નોકરો હોઈ શકે, તેમાંથી મોટા ભાગના તો મધ્યમ વર્ગમાં જ આવે તેમ છે. તેઓ મહામહેનતે ચાર છેડા ભેગા કરી શકતા હોત. તો બીજી તરફ ઓર્ગેનાઇઝડ સેકટર્સના મોટાં કાર્ટેલ્સના ટોચના અધિકારીઓ સિવાયના સામાન્ય કર્મચારીઓ કે કામદારોની હાલત બેહાલ થઈ જાય તેવા શાકભાજીથી શરૂ કરી, અનાજ અને દૂધ-દહીંના ભાવ તો જુવો. અહીં દરેકના ભાવ આપી શકાય તેમ નથી પરંતુ આ ભાવે તદ્દન સાદાઈથી રહે તો પણ વ્યકિત દીઠ રોજના ૧૨૦-૧૩૦ રૂપિયા જુવે જ, તેમાંએ જો કોલેજમાં જતા છોકરા-છોકરીઓ હોય તો રોજના ઓછામાં ઓછા ૧૫૦-૧૭૦ રૂપિયા તો માથાદીઠ ખર્ચ થાય. મધ્યમ વર્ગ તંગ આવી ગયો છે.

બીજી તરફ તે એક સામાન્ય કોર્પોરેટરને પણ મોટરમાં મોંઘીદાટ મોટરમાં ફરતો જુવે. મંત્રીઓની તો વાત જ થાય તેમ નથી. તેમની તો લિમોસિઝ કારો આગળ પાછળ પોલીસ વાનો. અરે! કોઈ ફરિયાદ લઈને જાયતો ત્રણચાર ધક્કા પછી એકાદ વખત માત્ર પાંચ દસ મિનીટ સાંભળી સાથેના પી.એ.ને નોંધ કરવાનું કહી ફરિયાદીને રવાના કરાય. પછી ફરિયાદનું શું થયું? તેનો કોઈ જવાબ જ નહીં. અરે! સામાન્ય કાર્યકર કે પક્ષના સામાન્ય સમર્થકની પણ ગણતરી નહીં. મોંઘી મોટરમાં ફરે તેનું જ વજન પડે તે સ્થિતિ અત્યારે ભાજપમાં છે.

આનો અર્થ એ નથી કે કોંગ્રેસમાં આવી ક્ષતિઓ નથી. છે જ. પરંતુ તેમાં હજી પણ પક્ષની મૂળ વિચારધારા 'સમાજવાદી-સમાજ-રચના'નો તેની ઉપર પ્રભાવ છે. વાસ્તવમાં તે તો તેનો મૂળાધાર છે. આ પક્ષમાં શ્રીમંતો બહુ ઓછા છે. શ્રીમંતો અને અતિ શ્રીમંતો કે મોટા ઉદ્યોગપતિઓએ તો ભાજપનો જ હાથ પકડી લીધો છે. જયારે 'સોશ્યાલિઝમ' નહેરૂના સમયથી કોંગ્રેસનો 'મંત્ર' બની રહ્યો છે. એક સમયે તેણે ભારતનું સંપૂર્ણ નામ જ 'Socialist - Democratic Repulic of India'  રાખ્યું હતું. તેમાંથી Oligarchy શબ્દ જ દૂર કરાયો છે. કરવો જ પડે, ભાજપ હવેંર્નૈયચબિરઅ (શ્રીમંતોની લોકશાહી) તરફ વળી ગયો છે. તેણે હવે શેહ-શરમ છોડી દીધી છે.

તેમ માની લેવાની જરૂર નથી કે કોંગ્રેસ આવશે. તો બધું જ સારું થઈ જશે. સારું થવાની વાત છોડી, બગડી પણ શકે, મોંઘવારી વધી પણ શકે. બેકારી દૂર થઈ પણ ન શકે. પરંતુ મોંઘવારી અને બેકારીના બેવડા મારથી તંગ આવેલો મધ્યમ વર્ગ હવે ભાજપને કહી પણ દે, કે કોંગ્રેસ કે કોઈ પણ પક્ષ આવે ત્યારે અમારું જે થવાનું હશે તે થશે પણ તમે તો જાવ જ.

આ સ્થિતિમાં, ન-કરે-નારાયણ અને જો નાનું એવું યુદ્ઘ થઈ જાય અને ભારતના 'જવાનો' વિજય અપાવે તો તે વિજયનો યશ લઈને ભાજપ ફરી મોટી બહુમતી મેળવી જાય. તે સિવાય ૨૦૨૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનાં નામે પણ તેને બહુમતી મેળવતાં નવે-નેજાં ઉતરી જશે. તે નિર્વિવાદ છે.

(11:25 am IST)