Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જળપ્રલયથી તારાજીઃ હાલાર-સોરઠમાં રાહત-બચાવ કામગીરી પુરજોશમાં

ગઇકાલે જામનગર જુનાગઢ અને રાજકોટ જીલ્લામાં મેઘમહેરથી સર્વત્ર પાણી-પાણીઃ રેસ્‍કયુ ઓપરેશન યથાવત

રાજકોટ તા. ૧૪: રાજકોટ, જામનગર અને જુનાગઢ જીલ્લામાં સર્વત્ર મેઘમહેરથી ભારે તારાજી સર્જાઇ છે. ત્રણેય જીલ્લામાં રાહત-બચાવ કામગીરી પુરજોશથી ચાલી રહી છે.
અનેક મકાનોમાં પાણી ઘુસી જતા લોકોને સલામત સ્‍થળે ખસેડવાની કામગીરી યથાવત છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર જિલ્લાના વિવિધ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક લોકો પૂરમાં ફસાયેલા હતા જેમાં કુલ ૧૬ જેટલા લોકોને એરલિફટ કરીને રેસ્‍કયુ કરવામાં આવેલ છે તેમજ ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલ કુલ ત્રણ સ્‍ટેટ હાઇવે અને એક નેશનલ હાઇવે અસરગ્રસ્‍ત થતાં વાહન વ્‍યવહાર બંધ કરવામાં આવેલ છે. જેમાં માળીયા-આમરણ-જાંબુડા સ્‍ટેટ હાઇવે (કેશીયા ગામ પાસે) તા. જોડીયા, રાજકોટ-જામનગર સ્‍ટેટ હાઇવે (ધુંવાવ, ખીજડીયા ગામ પાસે) તા. જામનગર ગ્રામ્‍ય અને માળિયા-આમરણ-જાંબુડા સ્‍ટેટ હાઇવે (ખીરી, બાલાચડી ગામ પાસે) તા. જોડીયા તેમજ જામનગર-કાલાવડ-ધોરાજી નેશનલ હાઇવે, (વિજરખી ગામ પાસે) તા. જામનગર અસરગ્રસ્‍ત થયેલ છે તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વૈકલ્‍પિક રસ્‍તાની આવશ્‍યક વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.
તદુપરાંત જામનગર તાલુકાના જામવંથલી અને ચાવડા ગામ વચ્‍ચે પાણીમાં ફસાયેલા એક એસ.ટી. મીની બસ અને ધુડશિયા ગલામે પાણીમાં ફસાયેલા ૧ એસ.ટી. બસને સ્‍થાનિકો દ્વારા સલામત જગ્‍યાએ ખસેડી લેવામાં આવેલ છે. હાલમાં ડેમની સ્‍થિતિ જોવામાં આવે તો, જામનગર જિલ્લામાં આવેલ કુલ ૧૮ જળાશયો પૈકી ૧૭ જળાશયો ઓવરફલો થયેલ છે.
વડોદરા એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા કાલાવડના ૩૧ લોકોને બચાવાયા
જામનગરઃ જિલ્લામાં હાલ પુરની સ્‍થિતિ વ્‍યાપી છે. સતત ભારે વરસાદને  પગલે જામનગર જિલ્લામાં વરસાદી પાણીના ભરાવાને લઇને લોકો મુશ્‍કેલી મુકાયા હતા રાજયના નવા મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની પ્રથમ સુચના અનેમાર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તત્રે વ્‍યાપક બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં એરલિફટ, એન.ડી.આર.એફ.ની ટીમ અને સ્‍ટેટની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ત્‍યારે વડોદરા સ્‍થિત રાષ્‍ટ્રીય આપદા પ્રબંધન દળ-એન.ડી.આર.એફની બટાલિયન ૬ ની ટુકડી પણ યોગદાન આપી રહી છ.ે
વડોદરા ખાતેના એન.ડી.આર.એફ. ના જનસંપર્ક પ્રવકતાના જણાવ્‍યા પ્રમાણે વડોદરાની ટુકડીના જવાનો કાલવાડ તાલુકાના પંજેતન નગરમાં સ્‍થાનિક તંત્રનીસાથે પુરમાં ફસાયેલાઓને ઉગારવાની કામગીરી કરી રહી છે.
મળતી જાણકારી પ્રમાણે આ ટુકડીના જવાનોએ ૧૩ મહિલાઓ ૧૧ પુરૂષો અને૭ બાળકો મળી ૩૧ લોકોને કાલાવડી નદીના પુરમાંથી ઉગારીને સલામત સ્‍થળે  ખસેડયા છે દળના જવાનો હાલ બચાવ કામગીરી કરી રહ્યા છે.

 

(11:26 am IST)