Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જામનગરનાં અસરગ્રસ્તોની વ્હારે ભૂપેન્દ્ર પટેલ : હવાઈ નિરીક્ષણ

અતિભારે વરસાદ-પૂરથી થયેલી તારાજીની જાત માહિતી મેળવીઃ કલેકટર સહિતના અધિકારીઓ સાથે તાકીદની બેઠક : અસરગ્રસ્તો માટે રાહત જાહેર કરાય તેવી સંભાવનાઃ બપોર બાદ રાજકોટ આવશેઃ જીલ્લા કલેકટર સાથે યોજશે બેઠક

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૪ :. રાજકોટ અને જામનગર જિલ્લામાં રવિવાર રાત્રીથી ધોધમાર વરસાદ વરસ્યા બાદ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી હવાઈ માર્ગે જામનગર આવી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે ૨ વાગ્યે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાંથી હેલીકોપ્ટર મારફત ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), આર.સી. ફળદુ, પૂનમબેન માડમ, મુખ્ય સચિવ પંકજકુમાર સાથે વરસાદગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું.

ત્યાર બાદ મોટર માર્ગે તેઓ જામનગર નજીકના ધુવાવ અને મહાપ્રભુજીની બેઠક વગેરે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બપોરે ૩ વાગ્યે મહેસુલ સેવા સદનના કોન્ફરન્સ હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પત્રકાર પરિષદ સંબોધશે. જેમાં અસરગ્રસ્તો માટે રાહત જાહેર કરાય તેવી સંભાવના છે.

કલેકટર સૌરભ પારઘી સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુલાકાત કરશે અને વરસાદની પરિસ્થિતિમાં તંત્રએ કરેલી કામગીરી તથા હવે પછીની બચાવ તથા રાહત કામગીરી અંગે સૂચનાઓ આપશે.

મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ ગુજરાતમાં સૌ પ્રથમ જામનગરની મુલાકાત લઈ રહ્યા છે.

જામનગર બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોર પછી રાજકોટ શહેર અને જિલ્લાની મુલાકાત લેનાર છે તથા કલેકટરશ્રી પાસેથી પૂરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવશે અને તંત્રએ કરેલી કામગીરીનું નિરીક્ષણ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ દિવસે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને જામનગર તથા રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ તંત્રને સૂચનાઓ આપવામાં આવી હતી.

(3:14 pm IST)