Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી ઘટાડો

૨૪ કલાકમાં ૨૫,૪૦૪ લોકો સંક્રમિતઃ ૩૩૯ના મોત

એકિટવ કેસની સંખ્યા ઘટીઃ એક દિવસમાં ૭૮,૬૬,૯૫૦ લોકોને કોવિડની રસી અપાઈ

નવી દિલ્હી, તા.૧૪: ભારતમાં કોરોના સંક્રમણનું જોર ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ હજાર લોકો સંક્રમિત થયા છે અને ૩૩૯ દર્દીએ જીવ ગુમાવ્યા છે. દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજય કેરળમાં એક દિવસમાં ૧૫ હજાર લોકો સંક્રમિત થયા છે. સોમવારની તુલનામાં આ આંકડો પાંચ હજાર જેટલો ઓછો છે. મહારાષ્ટ્રમાં પણ એક દિવસમાં ૩ હજારથી ઓછા કેસ નોંધાયા છે. તો ગુજરાતની વાત કરીએ તો અહીં ૨૪ કલાકમાં ૧૨ નવા કેસ નોંધાયા છે. રાજયમાં હાલ માત્ર ૧૬૧ એકિટવ કેસ છે.

મંગળવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૫,૪૦૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૩૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૨,૮૯,૫૭૯ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૭૫,૨૨,૩૮,૩૨૪ લોકોને કોરોના વેકસીન ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૮,૬૬,૯૫૦ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૪ લાખ ૮૪ હજાર ૧૫૯ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩૭,૧૨૭ દર્દીઓ સાજા થયા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૬૦ ટકા છે. હાલમાં ૩,૬૨,૨૦૭ એકિટવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૩,૨૧૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૪,૪૪,૪૪,૯૬૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૪,૩૦,૮૯૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

(11:37 am IST)