Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મધ્ય પ્રદેશની કોલેજોમાં હવે વિદ્યાર્થીઓને રામાયણ અને રામસેતુના પાઠ ભણાવાશે

શિક્ષણ સત્ર સિલેબસમાં રામાયણ અને રામસેતુને શામેલ કરવાની તૈયારી

મધ્ય પ્રદેશોની કોલેજોમાં હવે વિદ્યાર્થીઓને રામાયણ અને રામસેતુના પાઠ પણ ભણાવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ વિભાગે આ શિક્ષણ સત્ર સિલેબસમાં રામાયણ અને રામસેતુને શામેલ કરવાની તૈયારી કરી લીધી છે.

મધ્યપ્રદેશમાં આરએસએસના સ્થાપક ડો.કેશવ હેડગેવાર અને જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ભણાવવાનો રાજકીય વિવાદ હજુ પૂરો થયો ન હતો કે, હવે ભાજપ સરકારે વિદ્યાર્થીઓને કોલેજોમાં રામ વિશે ભણાવવાનો નિર્ણય કર્યો છે.

એન્જિનિયરિંગ સહિત બીએ અને ગ્રેજ્યુએશન પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આ સત્રમાંથી વૈકલ્પિક વિષય તરીકે 'રામચરિતમાનસની પ્રેક્ટિકલ ફિલોસોફી' વિષયને સમાવવામાં આવી છે.

ઉચ્ચ શિક્ષણ મંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત 'પ્રેક્ટિકલ ફિલોસોફી ઓફ રામચરિતમાનસ' નામથી કોલેજોમાં અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિષય માટે 100 ગુણનું પેપર પણ હશે. વૈકલ્પિક રીતે, રામચરિતમાનસને ફિલસૂફીના વિષયમાં રાખવામાં આવ્યો છે.

મંત્રી મોહન યાદવે કહ્યું કે અમે નવી શિક્ષણ નીતિમાં 131 પ્રકારના અભ્યાસક્રમો લાવ્યા છે, અમે રામચરિતમાનસને રામાયણની બાજુએ વૈકલ્પિક વિષય તરીકે રાખ્યા છે.
તેમણે કહ્યું કે, રામાયણની અંદર ઘણા વિષયો છે, જેના વિશે વિદ્યાર્થીઓએ જાગૃત થવાની જરૂર છે. મને લાગે છે કે તેમાં શું ખોટું છે. જો રામનું નામ ભારતમાં નહીં લેવાય, તો શું તે પાકિસ્તાનમાં લેવાશે? અમે તેમાં ઉર્દૂ ભાષા પણ ઉમેરી છે, અમે ગઝલ વિશે પણ શીખવવા જઈ રહ્યા છીએ. રામ સેતુ ભગવાન રામે બનાવ્યો છે, તેથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે પણ તે જાણવું અગત્યનું છે, કારણ કે તેમને ખબર હોવી જોઇએ કે હજારો વર્ષો પહેલા ભારતે વિજ્ઞાનમાં નિપુણતા મેળવી હતી.

(12:03 pm IST)