Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પાછા યાદ આવ્યા પટેલ

ગુજરાત ત્રીજું ભાજપા શાસિત રાજ્ય જ્યાં હાલમાં બદલાયા મુખ્યપ્રધાન

નવી દિલ્હી,તા. ૧૪ : ભાજપાની ટોચની નેતાગીરીનો ગુજરાતમાં મુખ્યપ્રધાનબદલવાનો નિર્ણય જેટલો ચોંકાવનારો હતો. એટલી જ આશ્ચર્યજનક હતી ભૂપેન્દ્રભાઇ પટેલની પસંદગી પટેલ પહેલી વાર આ વિધાનસભામાં ચૂંટાયા હતા. ઉતરાખંડ અને કર્ણાટક પછી ગુજરાત ત્રીજુ ભાજપા શાસિત રાજ્ય છે જ્યાં હાલમાં મુખ્યપ્રધાન બદલવામાં આવ્યા. અહીં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે. એટલે એ વાતનો ઇન્કાર ના થઇ શકે કે આ પગલું કોઇ પણ સત્તા વિરોધી લહેરની આશંકાને સંપૂર્ણ પણે સમાપ્ત કરવા લેવાયું છે. ખાસ તો કોરોનાના લીધે લોકો રૂપાણી સરકારથી નારાજ હતા.કોરોનાની બીજી લહેર દરમ્યાન મૃતકોની સંખ્યા ઓછી દર્શાવવી, દવાઓની અછત અને આરોગ્ય માળખાની અપૂરતી સવલતના સમાચારો વચ્ચે પ્રદેશ પક્ષપ્રમુખ અને રૂપાણી વચ્ચે તાલમેલનો અભાવ પણ દેખાતો હતો. એટલે નેતૃત્વ પરિવર્તનનો આ નિર્ણય એક તીરથી બે શિકાર કરવાનો પ્રયત્ન કહી શકાય. નવા મુખ્ય પ્રધાન પટેલ સમાજના છે. આ સમાજ વર્ષોથી ભાજપા સમર્થક અને પક્ષની હિંદુત્વની રાજનીતિનો આધાર રહ્યો છે.પટેલો છેલ્લા થોડા વર્ષોથી ભાજપાથી નારાજ હતા. ખાસ તો સુરતની સ્થાનિક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને મળેલ સફળતા પછી ભાજપાને લાગ્યું કે તેણે પટેલોને રાજી કરવા જરૂરી છે. એટલે ભુપેન્દ્ર પટેલને નવા મુખ્યપ્રધાન બનાવાયા છે. આ નિર્ણય સતાધારી પક્ષની રણનીતિમાં વધુ એક ફેરફાર તરફ ઇશારો કરે છે.ગુજરાતમાં રૂપાણી, મહારાષ્ટ્રના બિન મરાઠી દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણામાં બિન જાટ મનોહર લાલ અને ઝારખંઢમાં બિન આદિવાસી રઘુવર દાસને મુખ્યપ્રધાન બનાવીને ભાજપાએ સંદેશ આપ્યો હતો કે તે રાજ્યના રાજકારણમાં દબદબો જાળવનાર જ્ઞાતિના મુખ્યપ્રધાન નહીં બનાવે. આની પાછળ દલીલ એવી હતી કે ભાજપા જ્ઞાતિજાતિના રાજકારણને પ્રોત્સાહન નથી આપવા માંગતી. પણ બદલાયેલી પરિસ્થિતીમાં કર્ણાટકમાં યેદિપુરપ્પાને મુખ્ય પ્રધાન પદેથી હટાવ્યા. પછી તેમના લિંગાયત સમાજમાંથી નવા મુખ્યમંત્રી પસંદ કરવા અને પછી ગુજરાતમાં પટેલ સમાજના મુખ્યપ્રધાન બનાવવા દર્શાવે છે કે ભાજપા પણ રાજકારણના પ્રચલિત અને સમય સિધ્ધ ફોર્મ્યુલાને વધારે સમય અવગણવાના મૂડમાં નથી. 

(1:13 pm IST)