Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

રાજકોટ- જામનગર- જુનાગઢ જિલ્લામાં રેડએલર્ટ જાહેર કરતું હવામાન ખાતુ

૨૪ કલાકમાં રાજયના ૧૯૨ તાલુકાઓમાં મેઘમહેર, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ત્રણ લોકોના મોત : આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજકોટ,તા.૧૪: ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસતા ક્યાંક ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે તો ક્યાંક વધારે પડતા વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ગત ૨૪ કલાકમાં રાજ્યનાં ૧૯૨ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ૨૦ તાલુકામાં ૪ ઇંચથી વધુ વરસાદ તો સૌથી વધુ રાજકોટના લોધિકામાં ૨૦.૫ ઇંચ વરસાદ ખાબકયો છે.

જ્યારે જામનગરના કાલાવાડમાં ૧૫.૫ ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો છે. આ સાથે ૮૩ તાલુકામાં ૧ ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હતો. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં આજે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.

રાજકોટ, જામનગર અને જુનાગઢ જિલ્લામાં ૪થી ૨૩ ઈંચ સુધી અતિ ભારે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો અન્ય જિલ્લાઓમાં પણ ૧થી ૪ ઈંચ મેઘવર્ષા થઈ છે. સાંજે પણ વરસાદનું જોર યથાવત્ રહ્યું છે. વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર માર્ગ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો, એસ.ટી.-રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે.

હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યા પ્રમાણે, આજે ૨૪ કલાકમાં જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી છે અને રેડ એલર્ટ છે. દેવભૂમિ અને દ્વારકા, પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ગીરસોમનાથ અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જામનગર-રાજકોટ-જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

રાજકોટ અને જામજોધપુર પંથકમાં ૩ મોટરકારો તણાતા ૩ વ્યકિતઓના મોત નીપજ્યાનું અને ૨ લાપત્તા બન્યાનું જાહેર થયું છે. સેંકડો લોકો પૂરમાં ફસાતા ફાયરબ્રિગેડ, NDRF, એરફોર્સ તથા સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય હાથ ધરાયું હતું જે રાત્રે પણ ચાલું રહ્યું હતું.

(1:14 pm IST)