Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

તમે હેબિયસ કોર્પસ પિટિશન કેવી રીતે દાખલ કરી શકો છો? : તમારી પત્ની તેની માતા સાથે છે : માતા ગેરકાયદે અટકાયતી કેવી રીતે બની શકે?

સિંગાપોર સ્થિત પતિએ બાળકની કસ્ટડી ધરાવતી અને ભારતમાં રહેતી પત્ની સામે દાખલ કરેલી હેબિયસ કોર્પસ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે  ભારતમાં માતા રહેતી અને બાળકની કસ્ટડી ધરાવતી મહિલા વિરુદ્ધ  સિંગાપોર સ્થિત પતિએ દાખલ કરેલી હેબિયસ કોર્પસ અરજી સોમવારે ફગાવી દીધી હતી.


નામદાર કોર્ટે હાલમાં માતા સાથે રહેતા બાળકની કસ્ટડી મેળવવા માટે હેબિયસ કોર્પસ દાખલ કરવા પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યા હતા (અમિત ગુલરાજાણી વિ. હરિયાણા રાજ્ય).

ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના અને ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને હિમા કોહલીની ખંડપીઠે પ્રશ્ન કર્યો હતો કે "માતા ગેરકાયદે અટકાયતી કેવી રીતે હોઈ શકે?"

"તમે હેબિયસ કોર્પસ પિટિશન કેવી રીતે દાખલ કરી શકો છો? તે તેની માતા સાથે છે. માતા કેવી રીતે ગેરકાયદે અટકાયતી હોઈ શકે ? શું છોકરી ટેબલ કે ખુરશી છે કે તેને સિંગાપોર પાછી  ખસેડી શકાય?" જસ્ટિસ સૂર્યકાંતે પૂછ્યું હતું.

અદાલતે ઉમેર્યું હતું કે પારિવારિક કસ્ટડી વિવાદોમાં પણ, કસ્ટડીનો મુદ્દો નક્કી કરવા માટે ફેમિલી કોર્ટ યોગ્ય સત્તા છે.

કેસના પક્ષકારોએ 2010 માં ભારતના ગુરુગ્રામમાં લગ્ન કર્યા હતા અને લગ્ન પછી તરત જ સિંગાપુર શિફ્ટ થઈ ગયા હતા. જુલાઈ 2011 માં, દંપતીને એક પુત્રીની પ્રાપ્તિ થઇ હતી. જો કે, તેમની વચ્ચેના સંબંધો બગડ્યા અને પત્નીએ ઘરેલું દુર્વ્યવહારનો આરોપ લગાવતા 2019 માં બાળક સાથે સિંગાપોર  છોડી દીધું હતું અને ભારતમાં તેની માતા સાથે રહેવા આવી ગઈ હતી.

ત્યારબાદ પતિએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી જે નામંજૂર કરાઈ હતી.

ત્યારબાદ પતિએ હાઇકોર્ટને વિનંતી કરીને સ્પેશિયલ લીવ પિટિશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ સમક્ષ મુખ્ય પ્રશ્ન એ હતો કે શું કોઈ ગેરકાયદે અટકાયત છે કે નહીં અને આવા કિસ્સામાં હેબિયસ કોર્પસ અરજી જાળવી રાખવામાં આવશે કે કેમ.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:54 pm IST)