Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ૪ વાગ્યે રાજકોટમાં: લોધીકાની મુલાકાતે જશે

કલેકટર, ડીડીઓ, મ્યુ. કમિશ્નર સહિતના અધિકારીઓ સાથે મીટીંગઃ રાજકોટ શહેર-જીલ્લામાં સ્થળાંતર, સહાય, કેશડોલ્સ, નુકશાન અંગે રીપોર્ટ મેળવશે : જામનગરથી આવી પહોંચશેઃ મુખ્ય સચિવ પંકજકુમાર પણ આવે છેઃ રાજકોટ જીલ્લામાં ૧૭ રસ્તા બંધઃ સ્થળાંતર કરાયેલ ૧૮૦૦ લોકોની ધીમે ધીમે ઘર વાપસી : એક મહિલાનું મોત, ત્રણનો પત્તો નથી, શોધખોળ ચાલુઃ કલેકટર

રાજકોટ, તા. ૧૪ :. મેઘરાજાએ રાજકોટ અને જામનગર જીલ્લામાં તોફાની વરસાદ વરસાવી ખાનાખરાબી સર્જી દીધી, લાખોનું નુકશાન થયું છે. સેંકડો લોકો ફસાઈ ગયા હતા. હજારોનું સ્થળાંતર કરાયું. એનડીઆરએફ-નેવીની ટીમો અને એસડીઆરએફની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત કાર્ય ચાલુ કરાયું... સવારથી ધીમે ધીમે જનજીવન થાળે પડી રહ્યુ છે.

દરમિયાન ગઈકાલે ગુજરાતના નવા નાથ તરીકે શપથ લેનાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, પૂર, નુકશાનની ગઈકાલે માહિતી મેળવ્યા બાદ આજ બપોરથી તેઓ જામનગર અને રાજકોટ જીલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. સત્તાવાર વિગતો મુજબ જામનગર બપોરે ૧ વાગ્યે હેલીકોપ્ટર મારફત તેઓ આવી પહોંચશે. તેમની સાથે મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, સાંસદ પૂનમબેન માડમ તથા અન્યો રહેશે. જામનગર કલેકટર તથા અન્ય અધિકારીઓ સાથે મીટીંગ, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ મુખ્યમંત્રી બપોરે ૪ વાગ્યે હેલીકોપ્ટર મારફત રાજકોટ એરપોર્ટ ખાતે મુખ્ય સચિવ સાથે આવી પહોંચશે અને બાદમાં કલેકટર, મ્યુ. કમિશ્નર, ડીડીઓ તથા જીલ્લાના અન્ય અધિકારીઓ સાથે રાજકોટ શહેર-જીલ્લામાં પડેલા ભારે વરસાદ, લોકોનું સ્થળાંતર, રસ્તાઓ બંધ, ગ્રામ્ય વિસ્તારમા લાઈટો ગૂલ, લોકોના ઘરોમાં પાણી, ભારે નુકશાન તથા ગાડીઓ તણાતા એક મહિલાનું મોત, ત્રણ મીસીંગ અંગે વિગતો મેળવશે.

દરમિયાન કલેકટરશ્રી અરૂણ મહેશબાબુએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી બપોરે ૪ વાગ્યે રાજકોટ આવી પહોંચ્યા બાદ મીટીંગ અને બાદમાં સૌથી વધુ અસરગ્રસ્ત લોધીકા તાલુકાની મુલાકાત લેશે.

તેમણે જણાવેલ કે રાજકોટ શહેર-જીલ્લામાંથી કુલ ૧૮૦૦ લોકોનું સ્થળાંતર કરાયુ હતું. પાણી ઓસરતા તેમને હવે ધીમે ધીમે ઘરે પરત મોકલાઈ રહ્યા છે ત્યારે ભારે વરસાદ-પૂરને કારણે એક વૃદ્ધાનું મૃત્યુ થયુ છે. ત્રણ લોકો પૂરમાં મીસીંગ છે, તેમની શોધખોળ ચાલુ છે. કલેકટરે જણાવેલ કે અસરગ્રસ્તોને કેશડોલ્સ, ઘરવખરી સહાય, અન્ય નુકશાન અંગે સર્વે ચાલી રહ્યો છે. સાંજે ફાઈનલ વિગત જાહેર થશે.

તેમણે ઉમેર્યુ હતુ કે, રાજકોટ શહેર-જીલ્લામાંથી પૂરના પાણી તમામ સ્થળેથી ઓસરી ગયા છે. જીલ્લામાં સ્ટેટ-પંચાયતના કુલ ૩૭ રસ્તા બંધ હતા, તેમાથી ૨૦ ચાલુ થઈ ગયા છે. ૧૭ રસ્તા જે બંધ છે. તેના અંગે કાર્યવાહી થઈ રહી છે. જીલ્લાના ૭૦ ટકા ગામડાઓમાં વીજ પુરવઠો શરૂ કરી દેવાયો છે. સાંજ સુધીમાં તે પણ કલીયર થઈ જશે. જરૂર છે ત્યાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો કામ કરી રહી છે. તેમણે ઉમેર્યુ હતુ કે જીલ્લામાં રાહત-બચાવ કામગીરી ચાલુ છે. મુખ્યમંત્રી જે કોઈ માર્ગદર્શન આપશે તે પ્રમાણે ત્વરીત કામગીરી ચાલુ કરી દેવાશે. કલેકટરે અધિકારીઓની મીટીંગ લઈ જીલ્લાના તમામ રસ્તા, ચેકડેમો, પૂલ, લાઈટો, બસ વ્યવહાર સહિતની કામગીરી ચકાસવા ખાસ સૂચનાઓ આપી હતી.

(3:15 pm IST)