Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને કલેકટર તંત્રની ટીમોની ૨૬ કલાકની મથામણ પછી કાર અને મૃતદેહ મળ્યા

તણાયેલી કાર અંદરથી જ વણિક ઉદ્યોગપતિ કિશનભાઇ શાહની લાશ મળી-અરેરાટીઃ ડ્રાઇવર શ્યામ હજુ લાપત્તા

છાપરાની નદીમાં જ્યાંથી કાર તણાઇ ગઇ હતી ત્યાંથી ૭૦૦ મીટર દૂર ખાડામાં ખુંપી ગયેલી કાર સાથે જ કિશનભાઇ (વિપુલભાઇ) શ્રીમાંકર-શાહનો મૃતદેહ મળી આવતાં અરેરાટીઃ બે ડ્રાઇવર સહિત ત્રણ તણાયા હતાં: આગળ જઇ કાર ઝાડમાં અથડાતાં બે ડ્રાઇવર બચીને નીકળી ગયા હતાં

અરેરાટીઃ લોધીકાના છાપરા પાસે ગઇકાલે કાર સાથે તણાઇ ગયેલા રાજકોટના વણિક ઉદ્યોગપતિ નિલસીટી બંગલોઝમાં રહેતાં કિશનભાઇ (વિપુલભાઇ) શાહ (ઉ.વ.૫૦)નો મૃતદેહ ઘટનાના છવ્વીસ કલાક બાદ આજે બપોરે જે કાર તણાઇ ગઇ હતી એ કાર સાથે જ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને કલેકટર તંત્રની ટીમોએ ભારે મથામણ બાદ જ્યાંથી કાર તણાઇ હતી ત્યાંથી આશરે સાતસો મિટર દૂરથી ખાડા-કાદવમાં ખુંપી ગયેલી કાર આજે બપોરે શોધી કાઢી હતી. જેની પાછલી સીટમાંથી કિશનભાઇ શાહનો નિષ્પ્રાણ દેહ મળ્યો હતો. કારને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવી હતી તે દ્રશ્ય, કિશનભાઇનો નિષ્પ્રાણ દેહ, એનડીઆરએફની ટીમ તથા ફાયર બ્રિગેડની ટીમો અને બૂકડો થઇ ગયેલી કાર તથા ઇન્સેટમાં કિશનભાઇ શાહનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪: ગઇકાલે ભારે વરસાદને પગલે લોધીકાના છાપરા ગામે નીલ સીટી બંગલોમાં રહેતાં પેલિકન ઇન્ડસ્ટ્રીઝવાળા વણિક ઉદ્યોગપતિ  કિશનભાઇ (વિપુલભાઇ) જમનાદાસભાઇ શ્રીમાંકર- શાહ (ઉ.વ.૫૦) અને તેમના બે ડ્રાઇવર યુનિવર્સિટી રોડ પારીજાત સોસાયટીમાં રહેતાં સંજય ડાયાભાઇ બોરીચા (ઉ.વ.૨૧) તથા રૈયા ગામના શ્યામ ગોસ્વામી-સાધુ (ઉ.વ.૨૫) લોધીકાના છાપરાની નદીમાં પોતાની આઇ-૨૦ કાર સાથે તણાઇ ગયા હતાં. જેમાં આગળ જતાં એક ડ્રાઇવર તો કારમાંથી નીકળીને બચી ગયો હતોં. પરંતુ કિશનભાઇ અને ડ્રાઇવર શ્યામ તથા કારનો પત્તો મળ્યો નહોતો. આજે સવારે ફરીથી શોધખોળ કરવા ત્રણ ટીમો હોડી, ઓકિસજન માસ્ક સહિતની સાધન સામગ્રી સાથે નદીમાં ઉતરી કામે લાગી હતી. છવ્વીસ કલાકની મથામણને અંતે બપોરે સવા બારેક વાગ્યે જ્યાંથી કાર તપાઇ હતી ત્યાંથી આશરે ૭૦૦ મીટર દૂરથી ખાડા-કાદવમાં ખૂંપી ગયેલી કાર મળી આવી હતી અને કાર અંદરથી જ ઉદ્યોગપતિનો મૃતદેહ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જો કે શ્યામ હજુ પણ લાપત્તા હોઇ તેની શોધખોળ યથાવત રાખવામાં આવી છે.

ગઇકાલે વરસતા વરસાદમાં ઉદ્યોગપતિ કિશનભાઇ (વિપુલભાઇ) શાહ, તેમના સાળા જીતુભાઇ અને બે ડ્રાઇવર સંજય બોરીચા તથા શ્યામ સાધુને લઇને રાજકોટથી પોતાની ફેકટરીએ આણંદપર છાપરા ગામે જવા માટે નીકળ્યા હતાં. રસ્તામાં મેટોડાથી એક મહિલા કર્મચારીને પણ બેસાડ્યા હતાં. એ વખતે કારનું ડ્રાઇવીંગ શ્યામ કરી રહ્યો હતો. કાર છાપરા પાસે પહોંચી ત્યારે વોંકળામાં ખુબ પાણીનું વ્હેણ હોઇ શ્યામે કાર આગળ લઇ જવી જોખમી હોવાનું કહ્યું હતું. પરંતુ  કિશનભાઇ શાહએ 'કંઇ નહિ થાય કાર નીકળી જશે' કહી ડ્રાઇવર શ્યામને બાજુની સીટમાં બેસાડ્યો હતો અને પોતે ડ્રાઇવીંગ સીટ પર બેસી ગયા હતાં.

જીતુભાઇ અને મહિલા કર્મચારી પણ ઉતરી ગયા હતાં. કારમાં કિશનભાઇ તથા બે ડ્રાઇવર સંજય અને શ્યામ એમ ત્રણ જણ હતાં. એ પછી કિશનભાઇએ કાર હંકારી હતી. પણ કાર થોડે આગળ જતાં જ તણાઇ ગઇ હતી. આગળ જતાં ઝાડમાં અટવાતાં પાછળથી એક ડ્રાઇવર સંજય નીકળી ગયો હતો. પરંતુ  કિશનભાઇ અને ડ્રાઇવર શ્યામ ગોસ્વામી કાર સહિત તણાઇ ગયા હતાં. જેનો મોડી રાત સુધી પત્તો મળ્યો નહોતો.

ગઇકાલે મોડે સુધી કાર અને કિશનભાઇને શોધવા મથામણ કરવામાં આવ્યા પછી આજે સવારે એનડીઆરએફની ટીમ, રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ અને કલેકટર તંત્રની ટીમોએ હોડીઓ સાથે પહોંચી ફરી શોધખોળ આદરી હતી. તરવૈયાઓ ઓકિસજન માસ્ક પહેરીને પાણીમાં ડુબકીઓ લગાવી શોધખોળ કરી રહ્યા છે. લોધીકાના પીએસઆઇ કે. કે. જાડેજા અને સ્ટાફ પણ સતત આ ટીમોના સંપર્કમાં છે. તેમણે આગળના ગામોમાં પણ કાર જોવા મળે તો જાણ કરવા લોકોને સુચના આપી હતી.

ભારે મથામણને અંતે ઘટનાના છવ્વીસ કલાક બાદ અંતે બપોરે કાર જ્યાંથી તણાઇ હતી ત્યાંથી આશરે સાતસો મિટર દૂરથી મળી આવી હતી. આ જગ્યાએ મોટો ખાડો હોઇ કાર તેમાં ખુંપી ગયેલી હાલતમાં મળી હતી. કમનસિબે ઉદ્યોગપતિ કિશનભાઇ શાહનો મૃતદેહ પણ કારમાંથી જ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ખુંપેલી કારને મહામહેનતે ક્રેઇન અને જેસીબીની મદદથી બહાર ખેંચી કાઢવામાં આવી હતી. ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને કલેકટર તંત્રની ટીમોએ ઉદ્યોગપતિ કિશનભાઇ શાહનો મૃતદેહ અને કાર લોધીકા પોલીસને સોંપ્યા હતાં. જ્યારે ડ્રાઇવર શ્યામ ગોસ્વામીનો હજુ મોડી બપોરના એક વાગ્યા સુધી પત્તો મળ્યો ન હોઇ તેની શોધખોળ યથાવત રાખવામાં આવી છે.

કિશનભાઇ (વિપુલભાઇ) શાહના મૃત્યુથી સ્વજનો, દશા સોરઠીયા વણિક સમાજ,  બહોળા મિત્રવર્તુળ અને ઉદ્યોગપતિઓ  તથા આગેવાન મિત્રોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. (૧૪.૬)

મૃતદેહ કારની પાછલી સીટમાંથી મળ્યો

. ફાયર બ્રિગેડની ટીમના નાજુભાઇ પરમાર, અનીશભાઇ વાઘેલા, ભરતભાઇ રાઠોડ, વિશાલભાઇ કઠાર સહિતના પણ એનડીઆરએફની ટીમ સાથે કાર શોધવાની કામગીરીમાં જોડાયા હતાં. કાર ખુંપેલી હાલતમાં મળી ત્યારે ઉદ્યોગપતિ કિશનભાઇનો મૃતદેહ કારની પાછલી સીટમાં હતો. તેમ ફાયર બ્રિગેડ સુત્રોએ જણાવ્યું હતું.

(3:16 pm IST)