Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

આજી છલોછલ : ભાદર ૩૦.૨૦ ફૂટે પહોંચ્યો

આજી-૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં જળ સપાટીમાં ૭.૬૫ ફૂટનો વધારો થતા સપાટી ૨૭.૪૫ ફૂટે પહોંચી : ન્યારી-૧ ડેમમાં ૭.૭૧ ફુટનો વધારો અને ભાદર-૧ ડેમમાં ૬.૧૦ ફુટનો વધારો થયો : ન્યારી-૧નો ૧ દરવાજો ૧ ફૂટ ખુલ્યો

રાજકોટ તા. ૧૪ : સૌરાષ્ટ્રભરમાં મેઘકૃપા થઇ છે ત્યારે રાજકોટને પાણી પુરૃં પાડતા આજી - ન્યારી-૧ અને ભાદર ત્રણેય ડેમમાં નવા પાણીની ધોધમાર આવક થઇ  છે. આજે બપોરે ૧ વાગ્યાની સ્થિતિએ ન્યારી-૧ ડેમમાં હજુ આવક ચાલુ છે તયારે તેનો ૧ દરવાજા ૧ ફુટે ખોલવામાં આવ્યો છે. જ્યારે આજી છલકાવામાં હવે ૧.૫૫ ફુટ અને ભાદર છલકાવામાં ૩.૮૦ ફુટનું છેટુ છે. આ ત્રણેય ડેમોમાં ધીમી આવક ચાલુ છે.

શહેરમાં અને આજુબાજુના ગામોમાં ગત રાત્રિથી વરસી રહેલા ભારે વરસાદને પરિણામે, રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડી રહેલા જળાશયોમાં નવા નીરની સારી એવી આવક થયેલ છે.

મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ જળાશયોની આજે બપોરે ૧ વાગ્યાની સ્થિતિ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, ૨૯ ફૂટની ઊંડાઈ ધરાવતા આજી-૧ ડેમની જળ સપાટીમાં વધારો થતા હાલની પાણીની સપાટી ૨૭.૪૫ ફૂટે પહોંચી છે. જયારે ૨૫ ફૂટ ઊંડાઈ ધરાવતા ન્યારી-૧ ડેમ પાણીની નવી આવકથી છલોછલ ભરાઈ ગયો છે અને વર્તમાન જળસ્તર ૨૫ ફૂટે પહોંચેલ છે. આ ઉપરાંત ૩૪ ફૂટની ઊંડાઈ ધરાવતા ભાદર-૧ ડેમમાં નવી જળ રાશી સાથે વર્તમાન સપાટી ૩૦.૨૦ ફૂટે પહોંચી છે.

આજી-૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં જળ સપાટીમાં ૭.૬૫ ફૂટનો વધારો. ન્યારી-૧ ડેમમાં ૭.૭૧ ફુટનો વધારો અને ભાદર-૧ ડેમમાં ૬.૧૦ ફૂટનો વધારો થયો હતો.

(3:17 pm IST)