Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વિસમી સદીની ભૂલોને ૨૧ મી સદીનું ભારત સુધારી રહ્યું છે : નરેન્દ્રભાઈ

યુપીના અલીગઢ ખાતે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી અને ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કરતા વડાપ્રધાન

લખનૌ,તા.૧૪: આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજથી પશ્ચિમ યુપીમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અલીગઢ પહોંચ્યા. અહીં તેમણે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી અને ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર હતા. ત્યારબાદ તેમણે સંબોધન કર્યું. પીએમ મોદીનો આ પ્રવાસ આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજ અલીગઢ માટે, પશ્ચિમી યુપી માટે ખુબ મોટો દિવસ છે. આજે રાધાષ્ટમી છે, જે આજના દિવસને વધુ પુનિત બનાવે છે. વ્રજ ભૂમિના કણ કણમાં રાધા જ રાધા છે. હું સમગ્ર દેશને રાધાષ્ટમીની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. પૂર્વ સીએમ કલ્યાણ સિંહને યાદ કરતા તેમણે કહ્યું કે આજે કલ્યાણ સિંહ આપણી સાથે હોત તો રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાજ્ય વિશ્વવિદ્યાલય અને ડિફેન્સ સેકટરમાં બની રહેલી અલીગઢની નવી ઓળખ જોઈને ખુબ ખુશ થાત.

તેમણે કહ્યું કે આજે જ્યારે દેશ પોાતની આઝાદીનો ૭૫મો પર્વ મનાવી રહ્યો છે, આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આ કોશિશોને ગતિ આપવામાં આવી છે. ભારતની આઝાદીમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીના યોગદાનને નમન કરવાનો આ પ્રયત્ન એવો જ એક પાવન અવસર છે. આજે દેશના દરેક એ યુવા જે મોટું સપનું જોઈ રહ્યા છે, જે મોટો લક્ષ્યાંક મેળવવા માંગે છે તેમણે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજી વિશે જરૂર જાણવું જોઈએ. જરૂર વાંચવું જોઈએ.

પીએમએ કહ્યું કે આપણા આઝાદીના આંદોલનમાં એવા અનેક મહાન વ્યકિતત્વોએ પોતાનું બધુ જ ખપાવી દીધું. પરંતુ આ દેશનું દુર્ભાગ્ય રહ્યું છે કે આઝાદી બાદ આવા રાષ્ટ્ર નાયક અને રાષ્ટ્ર નાયિકાઓની તપસ્યાથી દેશને આગામી પેઢીઓને પરિચિત કરાવવામાં આવ્યા નહીં. તેમની  ગાથાઓને જાણવામાં દેશની અનેક પેઢીઓ વંચિત રહી ગઈ. ૨૦મી સદીની એ ભૂલોને આજે ૨૧મી સદીનું ભારત સુધારી રહ્યું છે.

(3:30 pm IST)