Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ભારતની ચલણી નોટ પર ગાંધીજીનો ફોટો પહેલીવાર કયારે છપાયેલ?: તસવીર કયારે લેવાયેલઃ જાણો માહિતી

૧૯૪૭ સુધી ભારતમાં બ્રિટિશ કિંગ જ્યોર્જની તસ્વીરવાળી ચલણી નોટોનો ઉપયોગ થતો હતો

નવી દિલ્હીઃ તા.૧૪: રાષ્ટ્ર પ્રત્યે મહાત્મા ગાંધીના અનુપમ યોગદાનને કારણે તેમને ભારતીય ચલણી નોટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે, દરેક ચલણની ભારતીય નોટ પર બાપુનું ચિત્ર છે. પરંતુ શું તમે જાણો છો કે ગાંધીજીની આ તસવીર ક્યાંથી લેવામાં આવી હતી અને પહેલી વખત ક્યારે ચલણી નોટો પર બાપુની તસ્વીર આવી હતી? રિઝર્વ બેંકે સૌપ્રથમ ૧૯૬૯માં યાદગીરી તરીકે ગાંધીજીના ફોટાવાળી ૧૦૦ રૂપિયાની નોટ બહાર પાડી હતી.

વર્ષ ૧૯૪૭ સુધી ભારતમાં બ્રિટિશ કિંગ જ્યોર્જની તસ્વીરવાળી ચલણી નોટોનો ઉપયોગ થતો હતો. પરંતુ આઝાદી પછી દેશવાસીઓ ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીનું ચિત્ર જોવા માંગતા હતા. આ દરમિયાન તત્કાલીન સરકારે આ નિર્ણય લેવા માટે થોડો સમય માગ્યો હતો. આ દરમિયાન, સરકારે ભારતીય કરન્સી પર કિંગ જ્યોર્જની તસવીરને સારનાથ સ્થિત લોયન કેપિટલ સાથે રિપ્લેસ કરી દીધી.

રિઝર્વ બેંકે ૧૯૬૯ માં પ્રથમ વખત ગાંધીજીની તસ્વીર સાથે ૧૦૦ રૂપિયાની નોટ રજૂ કરી હતી. આ વર્ષ તેમની જન્મ શતાબ્દીનું વર્ષ હતું અને નોટ પર તેમના ચિત્ર પાછળ સેવાગ્રામ આશ્રમનું ચિત્ર પણ હતું. પરંતુ ગાંધીજીના વર્તમાન ચિત્રવાળી ચલણી નોટો સૌપ્રથમ ૧૯૮૭માં છપાઈ હતી. ગાંધીજીના હસતા ચહેરાવાળી આ તસવીર પહેલીવાર ૫૦૦ રૂપિયાની નોટ પર ઓકટોબર ૧૯૮૭માં છાપવામાં આવી હતી. આ પછી ગાંધીજીની આ તસ્વીરનો ઉપયોગ અન્ય ચલણી નોટો પર પણ થવા લાગ્યો.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ૧૯૯૬માં પ્રથમ વખત એડિશનલ ફિચર્સ સાથે મહાત્મા ગાંધીની સિરીઝવાળી નોટો બહાર પાડી હતી. આ સુવિધાઓમાં બદલાયેલ વોટરમાર્ક, વિન્ડોડ સિક્યુરિટી થ્રેડ, લેટેસ્ટ ઈમેજ, અને વિઝયુલી હેન્ડીકેપ્ડ લોકો માટે ઈન્ટેગ્લિયો ફીચર્સ પણ શામેલ છે. ૧૯૯૬થી પહેલા ૧૯૮૭માં, મહાત્મા ગાંધીજીની તસવીરનો ઉપયોગ વોટરમાર્ક તરીકે કરવામાં આવ્યો હતો.

વર્ષ ૧૯૯૬ માં પ્રથમ વખત મહાત્મા ગાંધીની તસવીર સાથે ચલણમાં આવેલી નોટો ૫, ૧૦, ૨૦, ૧૦૦, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની હતી. આ દરમિયાન, અશોક સ્તંભને બદલે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર અને અશોક સ્તંભનો ફોટો નોટની નીચે ડાબી બાજુ છાપવામાં આવ્યો હતો. ત્યારથી, ભારતીય ચલણી નોટો પર ગાંધીજીનું ચિત્ર દેખાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગાંધીજીની જે તસવીર આપણે નોટ પર જોઈએ છીએ તે ક્યાંથી લેવામાં આવી હતી?

મહાત્મા ગાંધીની આ તસવીર ૧૯૪૬માં ભૂતપૂર્વ વાઈસરોય હાઉસ (હાલના રાષ્ટ્રપતિ ભવન) માં લેવામાં આવી હતી. અહીં ગાંધીજીને મળવા બ્રિટિશ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ફ્રેડરિક પેથિક લોરેન્સને મળવા માટે મ્યાનમાર (તે સમયે બર્મા)થી ભારતમાં આવ્યા હતા. ત્યાં લીધેલી ગાંધીજીની આ તસવીર ભારતીય નોટો પર પોટ્રેટ તરીકે અંકિત કરવામાં આવી. જોકે, આ ફોટો ક્યા ફોટોગ્રાફરે લીધો તે અંગે કોઈને જાણ નથી.

ગાંધીજીની તસવીર પહેલા ભારતીય નોટોની ડિઝાઇન અને તસવીર અલગ હતી. વર્ષ ૧૯૪૯માં તત્કાલીન સરકારે ૧ રૂપિયાની નોટ અશોક સ્તંભની ડિઝાઈન કરી હતી. ૧૯૫૩થી, નોટો પર હિન્દીનો ઉલ્લેખ થવા લાગ્યો. ૧૯૫૪ માં ૧,૦૦૦, ૫,૦૦૦ અને ૧૦,૦૦૦ ની નોટો ફરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ૧૦૦૦ રૂપિયાની નોટ પર તાંજોર ટેમ્પલની ડિઝાઈન હતી. ૫,૦૦૦ રૂપિયાની નોટ પર ગેટવે ઓફ ઈન્ડિયાની જ્યારે ૧૦,૦૦૦ રૂપિયાની નોટ પર લાયન કેપિટલ અને અશોક સ્તંભની તસ્વીર છાપવામાં આવી હતી. જોકે, ૧૯૭૮માં આ તમામ નોટો બંધ કરીને એકમાત્ર ગાધીજીના ફોટાવાળી નોટ રાખવામાં આવી હતી.

(3:36 pm IST)