Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ફિરોઝાબાદમાં વાયરલ ફીવરનો હાહાકારઃ ૧૨ હજારથી વધુ કેસઃ કુલ ૧૧૪ લોકોનાં મોત

છેલ્લા ૨૪ કલાકમાં ચાર લોકોનાં મૃત્યુ થતા મૃત્યુઆંક ૧૧૪ થયો છેઃ જેમાં ૮૮ બાળકોનો પણ સમાવેશ થાય છે

લખનઉ, તા.૧૪: અત્યારે અત્યારે ઘરે-ઘરે ડેંગ્યુ, મેલેરિયા અને વાયરલ ફીવરના કેસ જોવા મળી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં આ બીમારીઓનો કહેર વધુ જોવા મળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ઈલાજના અભાવને કારણે ગ્રામજનોએ શહેરી વિસ્તારમાં ઈલાજ માટે આવવું પડે છે. આ પરિસ્થિતિમાં મજૂરો ઈલાજ કરાવવા માટે દેવું કરવા માટે મજબૂર બન્યા છે. ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં વાયરલ ફીવરના કેસ માં સતત વધારો થઈ રહ્યો છે. ફિરોઝાબાદમાં ૧૨ હજારથી વધુ વાયરલ ફીવરના કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ફિરોઝાબાદમાં ચાર લોકોનાં મૃત્યુ થતા મૃત્યુઆંક ૧૧૪ થયો છે. જેમાં ૮૮ બાળકોનો પણ સમાવેશ થાય છે. બીમારીઓને ફેલાતી રોકવા માટે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, તેમ છતાં મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અહીં ૧૫ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકો ડેંગ્યુ અને વાયરલ ફીવરનો શિકાર થઈ રહ્યા છે.

ફિરોઝાબાદમાં રસ્તાઓ પર ગંદગી જોવા મળી રહી છે અને પાણી ભરાઈ ગયા છે. આ પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. શાળાઓ શરૂ થવાને કારણે બાળકો પાણી ભરેલા રસ્તાઓ પરથી પસાર થવા માટે મજબૂર થયા છે. સનક સિંહે જણાવ્યું કે, ગામમાં બીમારી ફેલાઈ રહી છે. પરંતુ વ્યવસ્થાઓમાં સુધાર નથી થઈ રહ્યો. ફિરોઝાબાદમાં છેલ્લા ૨ દિવસમાં ૧૫ લોકોના મૃત્યુ થયા છે. દર્દીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, ડેન્ગ્યુના વોર્ડમાં દર્દીઓનો યોગ્ય ઈલાજ નથી થઈ રહ્યો.

રવિવારે ઈલાજ ન મળવાને કારણે મજૂર વીરપાલના પુત્રનું મૃત્યુ થયું છે. વીરપાલે જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલે ઈલાજ માટે એડવાન્સ રૂ. ૩૦ હજારની માંગ કરી હતી. મેં હોસ્પિટલ પાસે પૈસાની વ્યવસ્થા કરવા માટે થોડો સમય માંગ્યો હતો, પરંતુ તેમણે મને ના પાડી દીધી. ત્યારબાદ ફિરોઝાબાદ મેડિકલ કોલેજ માં બેડ ન હોવાને કારણે મેડિકલ સ્ટાફે મારા બાળકને દાખલ કરવાની ના પાડી દીધી. ત્યારબાદ બાળકને આગરા લઈ જવા માટે મેં ખાનગી ટેકસીની વ્યવસ્થા કરી, પરંતુ મારા બાળકનું રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું.

રાજકીય મેડિકલ કોલેજના આચાર્ય ડો. સંગીતા અનેજાએ જણાવ્યું કે, હાલ હોસ્પિટલમાં ૪૨૯ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. બાળકોમાં જલ્દી રિકવરી જોવા મળી રહી છે. જે બાળકોની સ્થિતિ ગંભીર છે, તેમને પ્લેટલેટ્સ ચઢાવવામાં આવી રહ્યા છે.

ફિરોઝાબાદ મેડિકલ કોલેજના ઘ્પ્લ્ હંસરાજ સિંહે જણાવ્યું કે, આ મામલે કોઈ અધિકૃત ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ઘ્પ્બ્ દિનેશ કુમાર પ્રેમીએ જણાવ્યું કે, જિલ્લામાં ૬૪ ચિકિત્સા કેમ્પ ચાલી રહ્યા છે. જેમાં તાવથી પીડિત ૪,૮૦૦ લોકોનો ઈલાજ ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર ડેન્ગ્યુના ૫૭૮ કેસ સામે આવ્યા છે. મેલેરિયાના પણ કેસ સામે આવ્યા છે. એટલું જ નહીં બાળકોને ડાયરિયા પણ થઈ રહ્યો છે.

સ્વાસ્થ્ય વિભાગના અડિશનલ ડિરેકટર એ.કે. સિંહે જણાવ્યું કે, આરોગ્યકર્મીઓની ૧૦૦થી અધિક ટીમ દર્દીઓને ઓળખીને તેમને દવા આપી રહી છે અને ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, દવાઓનો કોઈ અભાવ નથી. દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.

(4:15 pm IST)