Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મમતા બેનરજીએ ઉમેદવારીપત્રમાં પોતાના વિરૂદ્ધ દાખલ પાંચ પોલીસ કેસનો ખુલાસો ન કરતા ભાજપે સવાલો ઉઠાવ્‍યા

જો કે તૃણમુલ કોંગ્રેસની ટીમે આરોપો ફગાવ્‍યા

કોલકાતા: પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. અહી મુખ્યમંત્રી મમતા બેનરજીનો મુકાબલો ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રિયંકા ટિબરેવાલ સામે છે. 30 સપ્ટેમ્બરે મતદાન થશે. આ પહેલા ભાજપે મમતા બેનરજીના નોમિનેશન પર સવાલ ઉભા કર્યા છે. ભગવા પાર્ટીનું કહેવુ છે કે ઉમેદવારીપત્ર દાખલ કરતા સમયે મમતા બેનરજીએ પોતાની વિરૂદ્ધ દાખલ પાંચ પોલીસ કેસનો ખુલાસો નથી કર્યો. જોકે, તૃણમૂલ કોંગ્રેસે આ આરોપોનું ખંડન કર્યુ છે.

ભવાનીપુર પેટા ચૂંટણી જીતવી મમતા બેનરજી માટે જરૂરી છે. જો તે તેમાં સફળ નથી થતી તો તેમની મુખ્યમંત્રીની ખુરશી જતી રહેશે. તમને જણાવી દઇએ કે વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી ભાજપના સુવેન્દુ અધિકારીના હાથે ચૂંટણી હાર્યા બાદ મમતા બેનરજી માટે આવી સ્થિતિ ઉભી થઇ હતી.

આ મામલે તૃણમૂલ કોંગ્રેસનું કહેવુ છે કે મમતા બેનરજીને માત્ર ઘટનાનો ખુલાસો કરવાની જરૂર હતી અને જો વાસ્તવમાં આરોપ પત્રમા નામ છે.

બીજી તરફ ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલના ચૂંટણી એજન્સે પોતાની ફરિયાદ દાખલ કરવા માટે ભવાનીપુરના રિટર્નિગ ઓફિસરને પત્ર લખ્યો છે, તેમણે પોતાના પત્રમાં કહ્યુ છે કે મમતા બેનરજી વિરૂદ્ધ પાંચ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા છે અને તે તેનો ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે મમતા બેનરજી વિરૂદ્ધ આ તમામ પાંચ કેસ આસામમાં દાખલ કરવામાં આવ્યા છે. આ રીતે ફરિયાદ તેમના વિરૂદ્ધ એપ્રિલ-મે ચૂંટણી પહેલા પણ દાખલ કરવામાં આવી હતી.

(5:02 pm IST)