Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

સૌરાષ્ટ્રના જીવા દોરી ગણાતા ડેમો બન્યા જોખમી: ભારે વરસાદને લઈ ગામડાઓની સ્થિતિ વિકટ બનતી જોવા મળી: ઘણા ગામો હજી પણ સંપર્ક વિહોણા

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીરસોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં વરસાદથી પાણીની મોટા પ્રમાણમાં આવક થઇ

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઈ ગામડાઓની સ્થિતિ વિકટ બનતી જોવા મળી રહી છે. ત્યારે ઘણા ગામો હજી પણ સંપર્ક વિહોણા છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. મોટા ભાગના ડેમો ફુલ થઇ ચુક્યા છે. ડેમો ફુલ થતા હવે તે ધીમે ધીમે જોખમી બનતા જઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીરસોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં વરસાદથી પાણીની મોટા પ્રમાણમાં આવક થઇ છે. જેના કારણે ડેમ જોખમી સ્તર પર વહી રહ્યા છે. તેમાંથી પાણી છોડવામાં આવતા કિનારાના ગામો પણ હાઇએલર્ટ પર છે. જામનગરના 9 મોટા ડેમમાંથી 8 ડેમ 100 ટકા ભરાઇ ચુક્યા છે. જ્યારે આજી-4 ડેમ 70 ટકાથી વધારે ભરાઇ ચુક્યો છે. રાજકોટના 7 મોટા ડેમોમાંથી 5 ડેમ સંપુર્ણ ભરાઇ ચુક્યા છે. જૂનાગઢના વંથલીનો ઓઝત વિઅર ડેમ પણ 100 ટકા ભરાઇ ચુક્યો છે.

રાજકોટનો સૌથી વધારે વરસાદ લોધિકા પંથકમાં જ પડ્યો છે. ત્યાના પાણીનો પ્રવાહ લઇને આવતી મોટા ભાગની નદી ન્યારી નદીમાં ભળતા ન્યારી-1 ડેમમાં પાણી આવે છે. એકદમથી ભારે વરસાદ આવતા ન્યારી-1 ડેમની સપાટી જોખમી રીતે વધવાની શરૂ થઇ હતી. પાણીની આવક એટલી વધારે હતી કે, મોડી રાત્રે જ મનપાના ઇજનેરોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. આ ઉપરાંત તમામ જિલ્લાનો સ્ટાફ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે. કોઇ પણ તંત્ર અને સ્ટાફને હાલ ફરજ અને પોતાની ફરજનું સ્થળ નહી છોડવા માટે આદેશ અપાયો છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા 10 ગામ સંપર્ક વિહોણા

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેવા લાગી છે. તાપી નદીમાં પાણીની આવક વધતા બારડોલીના હરિપુરા ગામે કોઝવે ડૂબી ગયો હતો. જેના કારણે 10 થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેવા લાગી છે. જેના કારણે બારડોલી અને માંડવી તાલુકાને જોડતો હરિપુરા કોઝવે પ્રભાવિત થયો હતો અને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે કડોદની સામે પારના 10 ગામો પ્રભાવિત થયા છે. આ ગામો સંપૂર્ણ રીતે સંપર્કવિહોણા બન્યા છે.

(5:54 pm IST)